ભારત-બાંગ્લાદેશ સંબંધોમાં નવો વળાંક: શેખ હસીનાના પુત્ર સજીબ વાઝેદ જોયે જીવ બચાવવાનો કર્યો ખુલાસો
શેખ હસીનાના પુત્ર સજીબ વાઝેદ જોયે કહ્યું કે ભારતે તેમની માતાનો જીવ બચાવ્યો છે. તેમણે બાંગ્લાદેશની વચગાળાની સરકારની પ્રત્યાર્પણ (Extradition)ની માંગને ગેરકાનૂની ગણાવી. જોયે ISIની ભૂમિકા, લશ્કરની વધતી સક્રિયતા અને યુનુસ સરકારની કાર્યપ્રણાલીઓ પર ગંભીર આરોપો લગાવ્યા.
બાંગ્લાદેશના પૂર્વ વડા પ્રધાન શેખ હસીનાના પુત્ર સજીબ વાઝેદ જોયે ભારતનો તેમની માતાનો જીવ બચાવવા બદલ આભાર માન્યો છે. સાથે જ જોયે બાંગ્લાદેશની વચગાળાની સરકાર દ્વારા તેમની માતાના પ્રત્યાર્પણની માંગને સંપૂર્ણપણે ફગાવી દીધી છે. તેમણે કહ્યું કે ત્યાંની કોર્ટની કાર્યવાહીમાં કોઈ કાનૂની પ્રક્રિયાનું પાલન થયું નથી.આપેલા ઇન્ટરવ્યુમાં સજીબ વાઝેદ જોયે કહ્યું, ‘ભારતે મારી માતાનો જીવ બચાવ્યો. જો તેઓ ઓગસ્ટ 2024માં બાંગ્લાદેશમાંથી બહાર ન નીકળ્યા હોત તો ઉગ્રવાદીઓ તેમની હત્યા કરી દેત. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો હું દિલથી આભાર માનું છું કે તેમણે મારી માતાને આશ્રય આપ્યો.’
‘મુદ્દામા પહેલાં 17 ન્યાયાધીશોને હટાવી દેવાયા’
જોયે બાંગ્લાદેશ સરકારની પ્રત્યાર્પણની માંગને સંપૂર્ણપણે ગેરકાનૂની ગણાવી. તેમણે કહ્યું, ‘મુદ્દામા પહેલાં 17 ન્યાયાધીશોને હટાવી દેવાયા. સંસદની મંજૂરી વિના કાયદા બદલવામાં આવ્યા. મારી માતાના વકીલોને કોર્ટમાં આવવા પણ ન દેવાયા. જ્યારે કોઈ કાનૂની પ્રક્રિયા જ નથી, તો કોઈ દેશ પ્રત્યાર્પણ નહીં કરે.’ તેમને પૂરો વિશ્વાસ છે કે ભારત આ માંગ ક્યારેય સ્વીકારશે નહીં.
જોયે સ્વીકાર્યું કે તેમની સરકારે શરૂઆતના વિદ્યાર્થી આંદોલનને ખોટી રીતે સંભાળ્યું, પરંતુ પછીથી જે થયું તે જનતાનું જાતે ઊભું થયેલું આંદોલન નહીં, પરંતુ એક સુરચિત રાજકીય બળવો (Coup) હતો. તેમણે આરોપ લગાવ્યો કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIએ પ્રદર્શનકારીઓની વચ્ચે ઘૂસેલા ઉગ્રવાદીઓને હથિયારો પૂરા પાડ્યા.
‘બાંગ્લાદેશમાં ખુલ્લેઆમ કામ કરી રહ્યું છે લશ્કર’
પાકિસ્તાની સંડોવણીના વિડિયો પુરાવાનો ઉલ્લેખ કરતાં જોયે કહ્યું, ‘આ હથિયારોનો પુરવઠો ઉપમહાદ્વીપમાં બીજે ક્યાંયથી થઈ શકે નહીં, તેનો એકમાત્ર સ્ત્રોત ISI છે.’ જોયે ચેતવણી આપી કે મુહમ્મદ યુનુસ વચગાળાની સરકારે હસીના સરકારના સમયમાં સજા પામેલા હજારો આતંકવાદીઓને મુક્ત કરી દીધા છે. હવે લશ્કર-એ-તૈયબા બાંગ્લાદેશમાં ખુલ્લેઆમ કામ કરી રહ્યું છે. તેમણે દિલ્હીમાં તાજેતરના આતંકવાદી હુમલાઓને પણ બાંગ્લાદેશના લશ્કર સાથે જોડાયેલા આતંકવાદીઓ સાથે જોડ્યા. જોયે દાવો કર્યો કે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે બાઇડેન પ્રશાસને USAID દ્વારા બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન માટે લાખો ડોલર ખર્ચ્યા છે.
યુનુસ સરકાર પર જોયે ઉઠાવ્યા ગંભીર સવાલો
જોયે મુહમ્મદ યુનુસની વચગાળાની સરકારને સંપૂર્ણપણે ગેરકાયદેસર ગણાવી. તેમણે કહ્યું, ‘એક વર્ષથી વધુ સમયથી બિન-ચૂંટાયેલી સરકાર સત્તામાં છે. બધું જ ગેર-લોકશાહી રીતે થઈ રહ્યું છે. દસ હજારથી વધુ રાજકીય કેદીઓ હજી પણ જેલમાં છે, જેમાં 100થી વધુ પૂર્વ સાંસદો પણ શામેલ છે. જો મુહમ્મદ યુનુસ આટલા લોકપ્રિય છે તો એક પણ ચૂંટણી કેમ નથી કરાવી રહ્યા? વિદ્યાર્થી આંદોલનની પાર્ટીને સર્વેમાં માત્ર 2 ટકા સમર્થન મળી રહ્યું છે. બાંગ્લાદેશમાં ભ્રષ્ટાચાર હતો, તે હું માનું છું. પરંતુ મારી માતાના સમયમાં બાંગ્લાદેશ વિશ્વના સૌથી ભ્રષ્ટ દેશોની યાદીમાં ટોપ-10માંથી બહાર થઈ ગયું. દેશ સૌથી ઓછા વિકસિત દેશોની શ્રેણીમાંથી બહાર નીકળીને ‘એશિયન ટાઇગર’ બનવાના માર્ગ પર હતો. આટલી ઝડપી પ્રગતિ મોટા પાયે ભ્રષ્ટાચાર સાથે શક્ય નહોતી.’

