TVS Q2 Results: TVS મોટરે જણાવ્યું હતું કે બીજા ક્વાર્ટરમાં તેણે નિકાસ સહિત સંયુક્ત ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલરનું વેચાણ કર્યું.
TVS Q2 Results: વર્તમાન નાણાકીય વર્ષ 2024-25 ના બીજા ક્વાર્ટરમાં ચેન્નાઈ સ્થિત કંપની TVS મોટરનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો 41.4 ટકા વધીને રૂ. 588.13 કરોડ થયો છે. ગયા નાણાકીય વર્ષ 2023-24ના બીજા ક્વાર્ટર (જુલાઈ-સપ્ટેમ્બર)માં કંપનીનો ચોખ્ખો નફો 415.93 કરોડ રૂપિયા હતો. TVS મોટરે શેરબજારને માહિતી આપી હતી કે સમીક્ષા હેઠળના ક્વાર્ટરમાં તેની ઓપરેટિંગ આવક રૂ. 11,301.68 કરોડ હતી. જ્યારે એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં તે રૂ. 9,932.82 કરોડ હતો. કુલ ખર્ચ વધીને રૂ. 10,427.64 કરોડ થયો છે. જ્યારે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં તે રૂ. 9,297.34 કરોડ હતો.
14% વધુ વાહનો વેચાયા
TVS મોટરે જણાવ્યું હતું કે બીજા ક્વાર્ટરમાં તેણે નિકાસ સહિત સંયુક્ત ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલરનું વેચાણ કર્યું હતું, જે વાર્ષિક ધોરણે 14 ટકા વધીને 12.28 લાખ યુનિટ્સ પર છે, જે કોઈપણ ક્વાર્ટર માટે સૌથી વધુ છે. કંપનીએ ગયા વર્ષના સમાન સમયગાળામાં 10.74 લાખ વાહનોનું વેચાણ કર્યું હતું. ક્વાર્ટર દરમિયાન કંપનીનું મોટરસાઇકલનું વેચાણ 14 ટકા વધીને 5.60 લાખ યુનિટ થયું છે જે એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં 4.93 લાખ યુનિટ હતું. આ સમયગાળા દરમિયાન, કંપનીના સ્કૂટરનું વેચાણ 4.20 લાખ યુનિટથી 17 ટકા વધીને 4.90 લાખ યુનિટ થયું છે.
ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં 31%નો વધારો
સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન ટુ-વ્હીલર્સની નિકાસ 16 ટકા વધીને 2.78 લાખ યુનિટ થઈ છે, જે એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં 2.39 લાખ યુનિટની હતી. કંપનીએ જણાવ્યું કે સમીક્ષા હેઠળના ક્વાર્ટરમાં તેનું કુલ થ્રી-વ્હીલરનું વેચાણ 38,000 યુનિટ હતું, જે 2023-24ના બીજા ક્વાર્ટરમાં 43,000 યુનિટ હતું. 30 સપ્ટેમ્બર, 2023 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં 58,000 એકમોની સરખામણીએ બીજા ક્વાર્ટરમાં ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ 31 ટકા વધીને 75,000 યુનિટ થયું હતું.