CBSE બોર્ડની ધોરણ 10-12ની પરીક્ષાનો આજથી પ્રારંભ થશે. દેશભરમાં ધોરણ 10 અને 12ના 31 લાખ જેટલા પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. સમગ્ર ગુજરાતમાંથી 35 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. અમદાવાદમાં 7 હજાર વિદ્યાર્થીઓ માટે આયોજન કરવામાં આવ્યુ છે.
શહેરમાં 18 સેન્ટર્સમાં ધોરણ 10ના 3 હજાર, ધોરણ 12ના 4 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે ત્યારે અગાઉ પેપર લીક થયા બાદ પેપર વિતરણ વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. પરીક્ષા દરમિયાન CCTV કેમેરાથી પણ વિદ્યાર્થીઓ પર નજર રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે. મહત્વનું છે કે, CBSE ધોરણ 10ની 29 માર્ચ, ધોરણ 12ની પરીક્ષા 3 એપ્રીલ સુધી ચાલનાર છે.
પેટર્નમાં થઇ શકે ફેરફાર
2020થી CBSE ધોરણ 10 અને 12ની પરીક્ષાની પેટર્નમાં ફેરફાર કરી શકે છે. CBSE 2019-20થી ધોરણ 12ના પ્રશ્નપત્રમાં મોટો ફેરફાર કરવા જઈ રહ્યું છે. CBSEની આ પ્રક્રિયામાં વોકેશનલ વિષયોની ટેસ્ટ પેટર્ન અને પરિણામ જાહેર કરવાની પ્રક્રિયા પર મોટો નિર્ણય લેવાશે.
આ નવી પેટર્ન વિદ્યાર્થીઓના વિશ્લેષણાત્મક ક્ષમતાને ચકાસશે. જેના કારણે વિષયોનું રટણ કરવાની પ્રોસેસ પર પણ લગામ લાગશે. નવી પેટર્ન પ્રમાણે 1થી 5 માર્ક્સના નાના પ્રશ્નો વધુ પૂછવામાં આવશે. વિદ્યાર્થીઓની લર્નિંગ પ્રોસેસ અને તેમની વિચારવાની ક્ષમતાનો અંદાજ લગાવવા પર વધુ ધ્યાન કન્દ્રીત કરવામાં આવશે.