વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું છે. કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત સામે ભાજપના સ્વરૂપસિંહ ઠાકોરની મુખ્ય ફાઈટ થશે. આ ઉપરાંત પાંચેક અપક્ષોએ પણ ઉમેદવારી નોંધાવી છે.
ગુજરાતના બનાસકાંઠામાં વાવ વિધાનસભાની પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે જેમાં કોંગ્રેસે વાવ વિધાનસભાને લઈ ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપી છે. ગુલાબસિંહ રાજપૂત અગાઉ પર ધારાસભ્ય રહી ચૂક્યા છે અને તેઓનો પરિવાર પણ વર્ષોથી કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલો છે. બીજી તરફ ભારતીય જનતા પક્ષે સ્વરૂપસિંહ ઠાકોર પર પસંદગી ઉતારી છે.
ગુલાબસિંહ પીરાભાઈ રાજપૂત થરાદ મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા ગુજરાત વિધાસભાના સભ્ય છે. તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના સભ્ય છે. તેઓ પ્રથમ વખત વર્ષ ર૦૧૯ માં થરાદમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતાં. તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની ભારતીય યુવા કોંગ્રેસ યુવા પાંખના ભાગ એવા ગુજરાત યુથ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ હતાં. ગુલાબસિંહ રાજપૂત બનાસકાંઠાના મતદારોને લઈ સારૂ પ્રભુત્વ ધરાવે છે સાથે સાથે તેઓ ગેનીબેન ઠાકોરના અંગત પણ મનાય છે.
ગુલાબસિંહ રાજપૂત સુઈ ગામના અસારવા ગામના વતની છે. પૂર્વ ધારાસભ્ય હેમુભા રાજપૂતના પૌત્ર છે. તેઓ થરાદ પૂર્વ ધારાસભ્ય છે. તેઓ યુથ કોંગ્રેસ પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે. તેઓ ર૦રર થરાદ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસમાંથી ભાજપના શંકર ચૌધરી સામે હાર્યા હતાં.
કોંગ્રેસ જાતિગત સમિકરણોને ધ્યાનમાં રાખીને થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતને વાવ બેઠકથી ટિકિટ આપી છે. વર્ષ ર૦૧૯ માં યોજાયેલી પેટાચૂંટણીમાં તેઓ વિજેતા બન્યા હતાં. તેમણે યુવા કોંગ્રેસ અને એનએસયુઆઈમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે પણ કામ કર્યું છે. ગુલાબસિંહ રાજપૂતને રાજકારણ વારસામાં મળ્યું છે. વાવ-થરાદ વિધાનસભા ભેગી હતી ત્યારે દાદા હેમાભાઈ રાજપૂત ર૦ વર્ષ સુધી ધારાસભ્ય રહી ચૂક્યા છે. ગેનીબેન ઠાકોરની ખાલી પડેલી વિધાનસાભ બેઠક પર ચૂંટણી પંચ દ્વારા પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ૧૩ નવેમ્બર ર૦ર૪ ના મતદાન યોજાશે અને ર૩ નવેમ્બરે મતગણતરી યોજાશે.
બીજી તરફ, ભાજપે સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી છે, સ્વરૂપજી ઠાકોરે વાવ વિધાનસભા બેઠકને લઈ પેટા ચૂંટણીનું ફોર્મ ભર્યું છે. ભાજપે સ્વરૂપજી ઠાકોરને મેન્ડેટ આપ્યું છે. સ્વરૂપજી ઠાકોર વાવ વિસ્તારમાં મોટું નામ અને પ્રભત્વ ધરાવે છે.
સ્વરૂપસિંહ ઠાકોરે લોકસભા ચૂંટણીમાં અપક્ષ દાવેદારી કરી હતી અને ર૦રર માં ગેનીબેન ઠાકોર સામે હાર્યા હતાં.
આ બેઠક પર ૧૯૬૭ થી અત્યાર સુધી ૧ર વખત ચૂંટણી યોજાઈ છે. ૭ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો, ભાજપ ર વાર ચૂંટણી જીતી શકયું છે. વર્ષ ૧૯૯૮ માં કોગ્રેસના હેમાજી રાજપૂત ચૂંટાયા હતા તો ર૦૦ર માં કોંગ્રેસના હેમાજી રાજપૂત ર૦૦૭ માં પ્રથમવાર ભાજપના પરબત પટેલ, ર૦૧ર માં શંકર ચૌધરી અને ર૦૧૭ અને ર૦રરમાં કોગ્રેસના ગેનીબેન જીત્યા હતાં.
બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી, પાલનપુરમાં પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. જેમાં તેમણે વાવ વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત માહિતી આપતા જણાવ્યું હતું કે, વાવ વિધાનસભા વિસ્તારમાં કુલ ૩,૧૦,૬૮૧ મતદારો નોંધાયા છે. જેમાં ૧,૬૧,૨૯૩ પુરૂષ તથા ૧,૪૯,૩૮૭ સ્ત્રી મતદારો અને ૦૧ અન્ય મતદારનો સમાવેશ થાય છે. ૦૭-વાવ વિધાનસભા બેઠક માટે તા. ૧૩ નવેમ્બર ૨૦૨૪ ના મતદાન યોજાશે. વાવ વિધાનસભા બેઠક માટે તા. ૧૮ ઓકટોબરથી તા. ૨૫ ઓકટોબર, ૨૦૨૪ સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય ઉમેદવારીપત્રો ભરવામાં આવશે.
વાવ વિધાનસભા મતવિસ્તારમાં કુલ ૩ર૧ પોલીંગ સ્ટેશન આવેલા છે. જેમાં તા. ૧૫ ઓકટોબર, ૨૦૨૪ સુધીમાં ૧,૬૧,૨૯૩ પુરૂષ, ૧,૪૯,૩૮૯ સ્ત્રી અને ૦૧ થર્ડ જેન્ડર મળી કુલ ૩,૧૦,૬૮૧ મતદારોનો સમાવેશ થાય છે. કુલ ૨૫૮૧ પીડબ્લ્યુડી મતદારોનો સમાવેશ થાય છે. જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે, કુલ ૦૭ સખી મતદાન મથકો, ૦૧ આદર્શ મતદાન મથક તથા ૧-૧ પીડબ્લ્યુડી અને ઈકો ફ્રેન્ડલી મતદાન મથક ઊભું કરાશે. દરેક મતદાન મથક પર મેડિકલ સ્ટાફ રહેશે. મતદાન મથકોમાં કુલ ૧૪૧૨ જેટલા અધિકારીઓ-કર્મચારીઓ ફરજ બજાવશે.
શું કહ્યું આમ આદમી પાર્ટીના નેતાએ?
AAPના ગુજરાત એકમના પ્રવક્તા કરણ બારોટે પણ પુષ્ટિ કરી હતી કે કોંગ્રેસ સાથેના કરાર મુજબ, તેમની પાર્ટી વાવ બેઠક પરથી પેટાચૂંટણીમાં પોતાનો ઉમેદવાર ઉતારશે નહીં.
ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ ઉમેદવારો શુક્રવારે બપોરે 3 વાગ્યા સુધી ઉમેદવારી પત્રો ભરી શક્યા હતા. પંચે 15 ઓક્ટોબરે જાહેરાત કરી હતી કે પેટાચૂંટણી 13 નવેમ્બરે થશે અને મતગણતરી 23 નવેમ્બરે થશે.