વડાપ્રધાન નરેદ્ર મોદીના હસ્તે અમદાવાદમાં વિશ્વ ઉમિયા ધામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. લાખો પાટીદારોની હાજરીમાં પીએમ મોદીએ ભૂમિપૂજન કર્યું. આ પ્રસંગે પીએમ મોદીએ પોતાની જીત અંગેનું જે સૂચક નિવેદન કર્યું તેમાં તેમનો ભારોભાર આત્મવિશ્વાસ છલકાતો હતો તો બીજી તરફ રાજ્યના લાખો પાટીદારોને એક થઈને દિશા નક્કી કરવાનો ગર્ભિત ઈશારો પણ હતો. જોઈએ ભૂમિપૂજનની સાથે સાથે રાજ્યની ભૂમિ પર નારાજ પાટીદારોને મનાવવાના પ્રયાસનો આ અહેવાલ.
લોકસભા ચૂંટણીને હવે માંડ બે માસ જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે એક યા બીજી રીતે જાણે ચૂંટણી પ્રચાર પણ શરૂ થઈ ગયો છે. કેટલાક પ્રચાર કાર્યક્રમો પક્ષ પ્રાયોજિત થઈ રહ્યા છે તો કેટલીક વાર પ્રચાર માટે જોગાનું જોગ સામાજિક કાર્યક્રમો પણ નેતાને મદદરૂપ બની રહ્યા છે. તો કેટલીક વાર દેશમાં એવા સંજોગોનું જ નિર્માણ થઈ રહ્યું છે કે, જેને નેતાઓ પોતાના પ્રચાર માટે ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે..
હાલ દેશમાં ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે આ પરિસ્થિતિનો લાભ પણ દેશના કેટલાક નેતાઓ ઉઠાવી રહ્યા છે. આ બધી બાબતો વચ્ચે ગુજરાતમાં પ્રધાનમંત્રીનું બે દિવસ માટે આગમન થયું છે. આવતી કાલે પ્રધાનમંત્રી મોદી લેઉવા પટેલોની આસ્થાનું સ્થાન અન્નપુર્ણાધામના મૂર્તિપ્રતિષ્ઠાન મહોત્સવમાં ભાગ લેવાના છે. જેમાં અંદાજે રાજ્યભરમાંથી 25 હજારથી વધુ લેઉવા પાટીદારોને સંબોધવાનો મોકો મળશે. તેમણે આજે જાસપુર ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનું ભૂમિપૂજન કર્યું અને લાખો પાટીદારોને સંબોધન કરી પોતાની વાત પણ કરી. જેમાં તેમણે પોતાની જીતની પાકી ખાતરી આપી અને કેટલાક નારાજ પાટીદારોને પોતાની દિશા નક્કી કરી લેવાની આડકતરી સૂચના પણ આપી.
ભાજપનો ગઢ ગણાતા ગુજરાતમાં નરેદ્ર મોદીની ગેરહાજરીમાં 2017ની યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ઘણું નુકસાન વેઠવં પડયું હતું. આથી આ ખોટને ભરપાઈ કરવા અને ભાજપથી વિમુખ થયેલા પાટીદારોને રાજી કરવા તેઓ બે દિવસ દરમિયાન ભરપૂર પ્રયાસ કરે તે સ્વભાવિક છે. પ્રધાનમંત્રી મોદી સૌથી મહત્વના કાર્યક્રમ કડવા પાટીદાર અને લેઉવા પાટીદાર એમ બંને સમાજના જાહેર કાર્યક્રમમાં ખાસ હાજરી આપવાના છે. કેમ કે, મોદીના ગુજરાતમાં લોકસભાની 26માંથી 10 બેઠકો પર પાટીદાર મતદારો સીધી અસર કરી શકે તેમ છે. મોદીના કાર્યક્રમનું રાજકીય વિશ્લેષણ જોતાં પાટીદાર પ્રભાવિત વિસ્તારોમાં જ તેમના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. સાથે જ ભાજપે ગુજરાતમાં ફરીવાર 26 બેઠકો અંકે કરવી હોય તો પાટીદારોના મનામણાં કરવા જરૂરી છે.