પુલવામા હુમલા બાદ ચોતરફથી ઘેરાયેલા પાકિસ્તાને તેની જમીન પર કાર્યરત આતંકીઓ પર સપાટો બોલાવતાં જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઇ મુફ્તિ અબ્દુલ રઊફ સહિત ૪૪ આતંકીઓની ધરપકડ કરી છે. જોકે, પાકિસ્તાને જૈશ જેવા આતંકી જૂથો સામે પગલું ભરવા માટે કોઇ સમયમર્યાદા જણાવી નથી. ઉલ્લેખનીય છે કે ભારત દ્વારા ગત અઠવાડિયે પાકિસ્તાનને સોંપવામાં આવેલા ડોઝિયરમાં મુફ્તી રઊફ અને અઝહરના નામો પણ સામેલ હતાં. રઉફે જ મસૂદને છોડાવવા માટે IC-814 વિમાનનું અપહરણ કર્યું હતું. ગૃહમંત્રી શહરયાર આફ્રિદીએ કહ્યું છે કે કોઇના દબાણ હેઠળ આ પગલું ભરાયું નથી. જોકે, મસૂદના ભાઇ રઊફ અને હમ્માદ અઝહરની ધરપકડ માટે ભારતના દબાણથી ભલે પાકિસ્તાન ઇન્કાર કરતું હોય પરંતુ આ સર્વવિદિત છે કે તેને આ પગલું કેમ લેવું પડ્યું છે.
એક પત્રકાર પરિષદમાં શહરયારે દાવો કર્યો છે કે પાકિસ્તાન સરકારે તમામ પ્રતિબંધિત સંગઠનોની સામે કાર્યવાહી કરી છે. નેશનલ એક્શન પ્લાન (એનએપી)ની સમીક્ષા માટે પાકિસ્તાનના ગૃહ મંત્રાલયની ચોથી મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો અને આ તમામની ધરપકડના આદેશો મંગળવારે જારી કરાયા હતા. ઓર્ડરમાં જણાવાયું છે કે ‘તમામ પ્રતિબંધિત સંગઠનો સામે પગલું ભરવાનું નક્કી કરાયું છે. તેને પાલન કરવા માટે પ્રતિબંધિત સંગઠનોના ૪૪ સભ્યોની તપાસ માટે અટક કરાઇ છે. આ પગલું ચાલુ રહેશે.’ બાલાકોટમાં ૨૬ ફેબ્રુઆરીએ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના તાલીમ કેમ્પો પર ભારતીય વાયુ દળની એર સ્ટ્રાઇકના ૧૦ દિવસ બાદ પાકિસ્તાને આ પગલું ભર્યું છે. શહરયારે પકડાયેલા અન્ય આતંકીઓની માહિતી આપી નહતી. પરંતુ એટલું કહ્યું હતું કે અટકમાં લેવાયેલી વ્યક્તિઓ આતંકના કોઇ ગુનામાં સામેલ જાણવા મળશે તો તેમની તપાસ કરાશે અને કાયદેસર ધરપકડ કરીને કાનૂની કાર્યવાહી કરાશે. પાકિસ્તાન સરકાર આ આતંકીઓની મિલ્કતોને જપ્ત કરવાનો પણ અધિકાર ધરાવે છે અને તેનો પણ ઉપયોગ કરી શકાય તેમ છે.
તેમણે કહ્યું હતું કે આતંકી સંગઠનો પર તૂટી પડવાની કામગારી બે અઠવાડિયા સુધી ચાલશે અને પૂરાવાના આધારે પકડાયેલા સભ્યો સામે પગલું લેવાશે. પાકિસ્તાની ધરતી પર કોઇની સામે આતંકી પ્રવૃત્તિઓને મંજૂરી નહિ અપાય તેવી તેમની સરકારની નીતિ છે. આ આદેશનું અર્થઘટન કરતાં ફોરિન ઓફિસના પ્રવક્તા મોહમ્મદ ફૈઝલે કહ્યું હતું કે સરકારે દેશમાં કાર્યરત તમામ પ્રતિબંધિત સંગઠનોની અસ્કયામતો અને મિલ્કતોનો અંકુશ મેળવી લીધો છે.