અમદાવાદ ખાતે પીએમ મોદીએ આજે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાનું લોચિંગ કર્યું હતું. ત્યારે વડોદરાની ક્ષેત્રીય કર્મચારી ભવિષ્ય નિધિ કચેરી દ્વારા આઈઓસીએલ ટાઉનશીપ ખાતે શ્રમયોગી માનધન યોજના અંતર્ગત આજે શ્રમયોગીઓને પેંશન યોજનાના કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા. આ સમયે જીલ્લા ભાજપ પ્રમુખ દિલુભા ચૂડાસમા અને તાલુકા પંચાયત સદસ્ય તેજસ પટેલ જાહેરમાં બાખડ્યા હતા. બંને વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલી અભદ્ર શબ્દો સુધી પહોંચી ગઇ હતી. જેથી ત્યાં હાજર ભાજપના ધારાસભ્યએ મધ્યસ્થી કરતા મામલો થાળે પાડ્યો હતો.
પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાના કાર્યક્રમમાં વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ સહિત ધારાસભ્યો, ભાજપના અગ્રણીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા. આજે જાહેરમાં થયેલી બોલાચાલીને કારણે જીલ્લા ભાજપ સંગઠનની નારાજગી અને જૂથબંધીની પોલ ખોલી દીધી હતી. જોકે સમગ્ર મામલે વિવાદમાં ઘેરાયેલા બંને અગ્રણીઓ હવે કંઈ કહેવા તૈયાર નથી.