અમદાવાદ એરપોર્ટ પર સોમવારે રાત્રે આવેલી ત્રણ ફલાઇટમાંથી દાણચોરીનું રૂ. 1.30 કરોડનું અંદાજે 4 કિલો સોનું પકડાયું છે. અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે 1 મહિલા સહિત ચાર પેસેન્જર પાસેથી દાણચોરોથી લવાયેલા સોનાના બિસ્કિટ તેમજ કાચું સોનું ઝડપી પાડ્યું હતું.
સોમવારે રાત્રે અખાતી દેશોમાંથી આવતી ફલાઇટમાં નવા નવા પેંતરાથી સોનાની દાણચોરી થઈ રહી છે. કસ્ટમના અધિકારીઓને શંકા જતા પેસેન્જરોની મેટલ ડિટેક્ટરથી ચેક કરતા દાણચોરીથી લવાયેલું સોનું પકડાયું હતું. સોમવારે રાત્રે સ્પાઇસ જેટની દુબઇથી આવેલી ફલાઇટમાં એક પેસેન્જર પાસેથી કડાં અને ગોલ્ડ બાર સહિત 1 કિલો 62 ગ્રામ કાચું સોનું પકડાયું હતું જેની કિંમત 36 લાખ હતી.
બીજી ફલાઇટમાં આવેલા ત્રણ પેસેન્જર પાસેથી કડી અને ચેન સ્વરૂપે રૂ.30 લાખનું 932 ગ્રામ સોનું પકડાયું હતું. વહેલી સવારે દુબઇથી આવેલી ફલાઇટમાં એક મહિલા પાસેથી 1.93 કિલોના રૂ. 65 લાખના સોનાના બિસ્કીટ મળી આવ્યા હતા. દાણચોરીમાં કસ્ટમ વિભાગે મહિલાની સોનાના બિસ્કીટ સાથે ધરપકડ કરી હતી. આમ એક રાતમાં આવેલા ત્રણ અલગ અલગ ફલાઇટમાં પાંચ મુસાફરો પાસેથી કુલ રૂ. 1.30 કરોડનું સોનાની દાણચોરી ઝડપી પાડ્યું હતું.
સોમવારે રાત્રે આવેલી અલગ અલગ ફલાઇટમાં એક મહિલા સહિત ચાર પકડાયા હતા. ગત સપ્તાહે પણ કસ્ટમે એક જ રાતમાં બે મહિલા સહિત ત્રણ પાસેથી રૂ. 65 લાખનું સોનું ઝડપી પાડ્યું હતું. આમ સોનાની દાણચોરીમાં મહિલાઓની સંડોવણી વધી રહી છે.