જમ્મુમાં બસસ્ટેશન પાસે ઊભેલી એક બસમાં વિસ્ફોટ થયાના સમાચાર આવ્યાં છે. આ ઘટના ગુરુવારે સવારે બની છે. વિસ્ફોટમાં કેટલાંક લોકોના ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. ગત 14 ફેબ્રુઆરીએ પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકવાદી હુમલામાં 42 જવાનો શહીદ થયા બાદ જમ્મુ-કાશ્મીરમાં ભારે તંગદીલી પ્રવર્તી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર બસ પર ગ્રેનેડ હુમલો થયો છે જેમાં 18 જણાં ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યાં છે.
વિસ્ફોટની ખબર મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો. જે જગ્યાએ વિસ્ફોટ થયો એ ભીડભાડવાળી જગ્યા છે. પોલીસ ત્યાં પહોંચીને લોકોને દૂર કરી રહી છે.
આ બ્લાસ્ટ રાજ્ય પરિવહનની બસમાં થયો છે. વિસ્ફોટ થયો ત્યારે બસ જમ્મુના બસ સ્ટેશન પર ઊભી હતી અને એમાં કેટલાંક મુસાફરો સવાર હતાં. પોલીસને શંકા છે કે આ ગ્રેનેડ હુમલો છે. જોકે આ હુમલા પાછળ કોણ છે એ જાણવા મળ્યું નથી.