જેમ-જેમ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, તેમ-તેમ રાજકીય પાર્ટીઓએ પ્રચારની ઝડપ વધારી દીધી છે. વિશ્વના સૌથી મોટા સોશિયલ મીડિયા Facebook પર રાજકીય જાહેરાતોનો ડેટા જાહેર કર્યો છે. જેમાં બહાર આવ્યું છે કે Facebook જાહેરાતો પર કરવામાં આવેલા ખર્ચમાં સૌથી આગળ BJP અને તેની સહયોગી પાર્ટીઓ છે. બીજા નંબર પર સ્થાનિક પક્ષો બાદ કોંગ્રેસ અને તેના સહયોગી પક્ષો છે. આ સહયોગીઓમાં પાર્ટીઓ, મંત્રી, સાંસદ, ધારાસભ્ય અને સંગઠનના એવા નેતાઓ સામેલ છે, જે કોઇક રાજકીય પાર્ટીનું ખુલીને સમર્થન કરી રહ્યા છે.
Facebook પર જાહેરાતો માટે BJP અને તેની સહયોગી પાર્ટીઓએ 2.37 કરોડ રૂપિયાનો ખર્ચ ફેબ્રુઆરી મહિનામાં કર્યો છે. BJPએ ‘ભારત કે મન કી બાત’ પેજની મદદથી જાહેરાતો ચલાવી છે જેના માટે Facebookને 1.1 કરોડ રૂપિયાનું પેમેન્ટ કર્યું હતું. એક બીજા પેજ ‘નેશન વિથ નમો’ માટે ભાજપે 60 લાખ કરતા વધારે રકમનો Facebook એડ માટે ઉપયોગ કર્યો છે. કોંગ્રેસે Facebook જાહેરાત માટે માત્ર 10.6 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.
સૌથી વધારે ખર્ચ કરવાના મામલામાં BJD નવીન પટનાયક સૌથી ઉપર છે, જેમણે 31 જાહેરાતો પર 8,62,981 રૂપિયા ખર્ચ કર્યા છે. BJPના જયંત સિન્હા, અમિત શાહ, મુરલીધર રાવ, નરેન્દ્ર ખિચરે 2થી 3 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે ફેબ્રુઆરીમાં 2 Facebook એડ પર દોઢ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે. Facebook દ્વારા જે ડેટા આપવામાં આવ્યો છે તે મુજબ, MyGov જેવી સરકારી વિભાગ અને ડિજિટલ ઇન્ડિયા જેવા અભિયાનોએ 35 લાખ રૂપિયા કરતા પણ વધારે રકમ જાહેરાત પર ખર્ચ કરી છે. કંપનીએ Ad Archive Report હેઠળ આ ડેટા સાર્વજનિક કર્યા છે. Facebookના પોલિટીકલ એડ પોર્ટલ પર 7 વર્ષ સુધી તમામ ભારતીય રાજકાણને લગતી જાહેરાતો બતાવવામાં આવશે. ઓક્ટોબર 2018ના આંકડાઓ અનુસાર, ભારતમાં Facebookના લગભગ 30 કરોડ યુઝર્સ છે.