પુલવામા હુમલાને લઇને કોંગ્રેસ નેતા બીકે હરિપ્રસાદે એક મોટો વિવાદાસ્પદ ખુલાસો કર્યો છે. હરિપ્રસાદે કહ્યું કે, ‘પુલવામા હુમલા પાછળ પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી ઇમરાન ખાન અને ભારતનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વચ્ચે મેચ ફિક્સિંગ થયેલ છે. આ હુમલો બંનેની મિલિભગત વગર શક્ય નથી. પીએમ મોદીએ આ હુમલા મુદ્દે જરૂરથી ખુલાસો આપવો જોઇએ.
આ પહેલાં કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે પણ આ ઘટનાને ‘દુર્ઘટના’ જણાવીને મોટો વિવાદ ઉભો કર્યો છે. આ જ પ્રકારનાં નિવેદનો બાદ પ્રધાનમંત્રી મોદીએ મંગળવારનાં રોજ એક ચૂંટણીલક્ષી રેલીમાં કહ્યું હતું કે વિપક્ષનાં કેટલાંક નેતા પાકિસ્તાનનાં ‘પોસ્ટર બોય’ બની ગયાં છે.
ઉલ્લેખનીય છે કે થોડાંક દિવસો પહેલાં પુલવામામાં અત્યાર સુધીનો સૌથી મોટો આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલામાં 42થી પણ વધુ જવાનો શહિદ થયાં હતાં. જ્યારે 40થી વધુ જવાન ઇજાગ્રસ્ત થયાં હતાં. આ હુમલાની જવાબદારી પણ જૈશ-એ-મોહમ્મદે લીધી હતી. જો કે આ હુમલાને લઇને સરકાર એક્શન મોડમાં આવતા સરકારે પાકિસ્તાનનાં બાલાકોટમાં એર સ્ટ્રાઇક પર કરાવી હતી. જેમાં અનેક આતંકવાદીઓ માર્યા ગયા હોવાનાં પણ સમાચાર મળ્યાં છે.