લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને આજે વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. માણાવદરના કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડાએ આજે રાજીનામું આપી દીધું છે. જવાહર ચાવડાએ વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના નિવાસ સ્થાને રાજીનામું આપ્યું. જવાહર ચાવડા કોંગ્રેસના મોટો કદના નેતા છે અને સતત 4 ટર્મથી ધારાસભ્ય પદે ચૂંટાઇ રહ્યા હતા. ત્યારે જવાહર ચાવડાના રાજીનામાથી કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. જવાહર ચાવડાના પિતાનું પણ રાજકારણમાં મોટુ નામ છે. જ્યારે જવાહર ચાવડા આહીર સમાજના આગેવાન છે એટલે ભાજપ માટે આ ફાયદાની વાત માનવામાં આવે છે.
સૂત્રોનું માનીએ તો આજે બપોરે જ ત્રણ વાગે ગાંધીનગરમાં કમલમ્ ખાતે જવાહર ચાવડા ભાજપનો ખેસ ધારણ કરી શકે છે. ચાવડા વિધિવત્ રીતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી ની હાજરીમાં ખેસ ધારણ કરશે તેમ કહેવાય છે. સૌથી મોટા સમાચાર એ જાણવા મળી રહ્યાં છે કે મંત્રીમડળમાં જવાહર ચાવડાનો સમાવેશ થઈ શકે છે. આજે સાંજે તેમનો રાજ્યકક્ષાના મંત્રી તરીકે પણ સમાવેશ થઈ શકે છે તેવી માહિતી મળી રહી છે.