ગુમ થયાના નાટકથી લઈને હત્યા સુધી: ભાવનગર ACF કેસનો સંપૂર્ણ પર્દાફાશ
ભાવનગરમાં વન વિભાગના આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઑફ ફોરેસ્ટ (ACF) શૈલેષ ખાંભલાની પત્ની અને બે સંતાનોની હત્યા કેસમાં નવો વળાંક સામે આવ્યો છે. શહેરમાં લોકોની વચ્ચે ચર્ચા હતી કે આખરે પિતાએ જ પોતાના પરિવારનો અંત શા માટે લાવ્યો? તપાસ દરમિયાન ખુલ્યું છે કે આ ઘટનાના મૂળમાં પ્રેમ પ્રકરણ હતું. પોલીસ દ્વારા રિમાન્ડ દરમિયાન કરાયેલી પૂછપરછમાં શૈલેષે આ બાબત સ્વીકારી હતી, જેને લઈને સમગ્ર શહેરમાં હચમચી જવા જેવી સ્થિતિ સર્જાઈ છે.
પત્ની અને સંતાનોની નિર્દયી હત્યા કરી ખાડામાં દાટી દેવાયા મૃતદેહ
પોલીસ તપાસ મુજબ 5 નવેમ્બરના રોજ ટોપ-3 વિસ્તાર નજીક આવેલી ફોરેસ્ટ કોલોનીમાં શૈલેષ ખાંભલાએ પત્ની નયનાબેન, દીકરી પ્રુથા અને દીકરા ભવ્યનો જીવ લીધો હતો. પહેલા તકિયાથી શ્વાસ રોકી પત્નીની હત્યા કરવામાં આવી હતી અને ત્યારબાદ બે સંતાનોને પણ એ જ રીતે મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. તમામ મૃતદેહોને ઘરના નજીક ખાડામાં પથ્થર બાંધી દાટી દેવાયા હતા. લાશ તરતી બહાર ન આવે તે માટે ઉપર ગાદલું અને માટી નાંખવામાં આવી હોવાનું શૈલેષે પોલીસ સમક્ષ કબૂલ્યું છે.
ગુમ થયાના નાટકથી શરૂ થયેલ તપાસે ખોલ્યો પર્દાફાશ
કેસની શરૂઆત ત્યારે થઈ જ્યારે શૈલેષે પોતાની પત્ની અને બાળકો ગુમ થયા હોવાની અરજી ભરતનગર પોલીસ સ્ટેશનમાં કરી હતી. તેણે સિક્યુરિટીના જણાવ્યા પ્રમાણે પરિવાર રિક્ષામાં ગયો હોવાનું જણાવ્યું, પરંતુ સિક્યુરિટીએ આ દાવો નકારતા પોલીસને શંકા ઉદ્ભવી. ત્યારબાદ નયનાબેનના મોબાઈલ મેસેજ અને શૈલેષની કોલ ડિટેઈલ્સ તપાસવામાં આવી, જેમાં એક આરએફઓ ગિરીશ વાણિયા સાથે તેની વારંવારની વાતચીત મળી આવી, જેના કારણે શૈલેષ શંકાના ઘેરામાં આવ્યો.
ખાડા, માટી અને ગાદલા પરથી ઊઘડ્યો હત્યાનું જઘન્ય સત્ય
ગિરીશ વાણિયાની પૂછપરછ દરમ્યાન જાણવા મળ્યું કે 2 નવેમ્બરના દિવસે શૈલેષે પોતાના ઘર આસપાસ પાણી અને કચરા માટે ખાડા બનાવવાનું કહેલુ. ત્યારબાદ છ નવેમ્બરે વધુ માટી મંગાવવાની વિનંતી પણ કરી હતી. જ્યારે માટી પહોંચાડી હતી ત્યારે ખાડા પાસે ગાદલું અને વધારે માટી દેખાતા શંકા ઉઠી. શૈલેષે ગાદલું નાખવાનું કારણ આપ્યું કે ખાડામાં નિલગાય પડી ગઈ હતી, પરંતુ તપાસ આગળ વધતાં હત્યાનું સાચું રહસ્ય બહાર આવ્યું.
પ્રેમ સંબંધને કારણે સર્જાયો કુટુંબ વિનાશ
રીમાન્ડ દરમિયાન શૈલેષે કબૂલ્યું કે તેના બહારના સંબંધને કારણે ઘરેલું મનદુઃખ વધ્યું હતું અને આ પ્રકરણને છુપાવવા પરિવારનો અંત લાવવાનો નિર્ણય લીધો. પોલીસ હાલ સમગ્ર પ્રકરણની વધુ તપાસ કરી રહી છે. આ ઘટના માત્ર ભાવનગર જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં ચકચાર પેદા કરી રહી છે.

