‘અમારું કામ થઈ ગયું, મને PM મોદીએ ફોન કરીને કહ્યું હતું’: ભારત-પાક યુદ્ધ પર ટ્રમ્પનો નવો દાવો
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષને રોકવાનો શ્રેય પોતાને આપ્યો છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે તેમણે બંને દેશો પર 350 ટકા ટેરિફ લગાવવાની અને વેપાર સમાપ્ત કરવાની ધમકી આપી હતી, જેના ડરથી બંને દેશોએ પરમાણુ યુદ્ધ ટાળ્યું હતું.
બુધવારે (19 નવેમ્બર, 2025) યુએસ-સાઉદી ઇન્વેસ્ટમેન્ટ ફોરમને સંબોધિત કરતી વખતે ટ્રમ્પે આ દાવો કર્યો હતો.
ટ્રમ્પનો દાવો: યુદ્ધ નહીં કરવા PM મોદીએ ફોન કર્યો હતો
ટ્રમ્પે દાવો કર્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ફોન કરીને કહ્યું હતું, “અમારું કામ થઈ ગયું.” ટ્રમ્પે પૂછ્યું, “તમારું શું કામ થઈ ગયું?” ત્યારે મોદીએ જવાબ આપ્યો, “અમે યુદ્ધ નહીં કરીએ.”
ટ્રમ્પે કહ્યું કે, તેમણે 7 થી 10 મેની વચ્ચે ભારત અને પાકિસ્તાન દ્વારા એકબીજા પર કરવામાં આવી રહેલા હુમલાઓ રોકાવવા માટે આ વેપારની ધમકી આપી હતી, જેનાથી બંને દેશો ગભરાઈ ગયા.
“350% ટેરિફ લગાવી દઈશ!”
ટ્રમ્પે દાવો કર્યો કે તેમણે પરમાણુ શસ્ત્રો ધરાવતા બંને પાડોશી દેશોને સ્પષ્ટ કહ્યું હતું કે તેઓ યુદ્ધ ચાલુ રાખી શકે છે, “પરંતુ હું બંને દેશો પર 350 ટકા ડ્યૂટી લગાવી રહ્યો છું. તેઓ અમેરિકા સાથે હવે વેપાર કરી શકશે નહીં.”
-
ટ્રમ્પે કહ્યું કે બંને દેશોએ તેમને વિનંતી કરી હતી કે તેઓ આવું ન કરે.
-
અમેરિકી રાષ્ટ્રપતિએ દાવો કર્યો કે તેમણે બંને દેશોને કહ્યું, “હું આ કરવા જઈ રહ્યો છું… હું નથી ઇચ્છતો કે તમે લોકો એકબીજા વિરુદ્ધ પરમાણુ હથિયારનો ઉપયોગ કરો, લાખો લોકોને મારી નાખો અને લોસ એન્જિલસ પર પરમાણુ ધૂળ ઉડે.”
વેપાર અને ડ્યૂટી દ્વારા સંઘર્ષનું સમાધાન
ટ્રમ્પે દાવો કર્યો કે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે પણ તેમને ફોન કરીને લાખો લોકોના જીવ બચાવવા બદલ આભાર માન્યો હતો.
ટ્રમ્પે ભારપૂર્વક જણાવ્યું, “કોઈ અન્ય રાષ્ટ્રપતિ આવું ન કરે… આઠમાંથી પાંચ યુદ્ધ, વેપાર અને ડ્યૂટીના કારણે ઉકેલાયા. મેં આ કર્યું.”
નોંધ: ભારતે સતત આ વાતનો ઇનકાર કર્યો છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને શાંત કરવા માટે કોઈ ત્રીજા પક્ષે દરમિયાનગીરી કરી હતી.

