ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરના નિધન બાદ રાજ્યની રાજકીય સ્થિતિ વચ્ચે ભાજપના નેતા પ્રમોદ સાવંત રાજ્યના નવા મુખ્યમંત્રી બની શકે છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ભાજપે તેમનું નામ નક્કી કરી દીધું છે. તેઓ આજે મુખ્યમંત્રી તરીકેના શપથ લઇ શકે છે. અગાઉ ગોવા ભાજપ પ્રમુખે કહ્યું હતું કે, ગોવાના આગામી મુખ્યમંત્રીને લઇને બપોરે 2 વાગ્યા સુધી નિર્ણય થઇ જશે અને ત્રણ વાગ્યે શપથગ્રહણ સમારોહ થશે.
જ્યારે બીજી તરફ પણજીમાં સોમવારે સવારે કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક થઇ. જે બાદ કોંગ્રેસના 14 ધારાસભ્યો રાજભવનમાં રાજ્યપાલ સાથે મુલાકાત કરવા માગતા હતા, પરંતુ રાજ્યપાલે તેમને મુલાકાતનો સમય આપ્યો નહી.
નોંધનીય છે કે, કોંગ્રેસ રાજ્યમાં અત્યારે સૌથી મોટી પાર્ટી છે. 40 બેઠકોવાળી ગોવા વિધાનસભામાં કોંગ્રેસ પાસે 14 ધારાસભ્યો છે જ્યારે ભાજપ પાસે 12 ધારાસભ્યો છે. ગોવા ફોરવર્ડ પાર્ટી, મહારાષ્ટ્રવાદી ગોમંતક પાર્ટી પાસે ત્રણ-ત્રણ ધારાસભ્યો છે. જ્યારે રાકાંપા પાસે એક ધારાસભ્ય છે. જ્યારે ત્રણ અપક્ષ ધારાસભ્ય છે.