નડિયાદના મહુધા પાસેના એક ગામ પાસે રાત્રીના સમયે લકઝરી બસ પલટી ખાધી હતી.જો કે બસમાં સવાર ૫૦ થી વધુ મુસાફરોનો ચમત્કારીક બચાવ થયો હતો. દર્શન કરી એક ગામ પાસેના વળાંક આગળ પહોચી હતી બસના ડ્રાઇવરે એકા એક સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા લકઝરી બસે પલટી ખાધી હતી.
મહુધા પાસે આવેલ યાત્રાધામ મીનાવાડા ગામ પાસે રાત્રીના ૧૦ઃ૦૦ કલાકે દર્શન કરી લકઝરી બસ પરત ગાંધીનગર જઇ રહી હતી.તે સમયે મીનાવાડા પાસે આવેલ ફલોલી ગામના પાટીયા પાસે બસના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને બસ પલટી ખાઇ ગઇ હતી.બસમાં સવાર ૫૦ થી વધુ યાત્રીકોનો ચમત્કારીક બચાવ થયો હતો.
આ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર ગાંધીનગરના પેથાપુરથી શનીવારના રાત્રીના સમયે આ યાત્રાળુઓની બસ પાવાગઢ, ઝંડહનુમાન, ડાકોર, ફાગવેલ થી મીનાવાડા આવી હતી.મીનાવાડા ખાતે આવેલ દશામાંના મંદિરે દર્શન કરી બસ ગાંધીનગર પરત જઇ રહી હતી.તે સમયે મીનાવાડા થી ૪ કિ.મી આવેલ ફલોલી ગામના પાટીયા પાસે બસના ડ્રાઇવરે બસ પરથી કાબુ ગુમાવતા બસ પલટી ખાઘી હતી.
આ ઘટનાથી બસમાં બેઠેલા યાત્રાળુઓ ગભરાઇ જઇ બુમા બુમ કરતા આજુ બાજુના સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.અને બસના કાચ તોડીને યાત્રાળુઓને બહાર કાઢવામાં આવ્યા હતા.ઘવાયેલા યાત્રાળુઓને નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.તેમજ સ્થાનિક નાગરિકો તેમજ મહુધા અને કઠલાલ પોલીસની ટીમો અને ૧૦૮ની પાંચ જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોચી હતી.જ્યા ઇજાગ્રસ્તોને સારવાર માટે મહુધા અને કઠલાલ સરકારી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા.