સુરત શહેરના આંગણે રમાઇ રહેલી મહિલા અંડર-23 ઍલાઇટ-ઍ ગ્રુપની વનડે ટુર્નામેન્ટમાં સોમવારે રમાયેલી બંગાળ વિરુદ્ધ ઉત્તરપ્રદેશ વચ્ચેની મેચમાં ભારતીય ટીમ વતી રમતી દીપ્તિ શર્માઍ ઓપનીંગમાં આવી પોતાની તોફાની બેટિંગ વડે બંગાળને ઉત્તપ્રદેશ સામે 8 વિકેટે જીતાડ્યું હતું.
ઉત્તરપ્રદેશે પ્રથમ દાવ લઇને મુસ્કાન મલિકના 71 અને ઍકતાના 91 રનની મદદથી પાંચ વિકેટના ભોગે 191 રન બનાવ્યા હતા. 192 રનનો લક્ષ્યાંક બંગાળે બે વિકેટે જ કબજે કરી લીધો હતો. જેમાં દીપ્તિ શર્માઍ 95 રનની ઇનિંગ રમી હતી જ્યારે રીચાઍ 59 રન બનાવ્યા હતા. સીબી પટેલ ગ્રાઉન્ડ પર રમાયેલી મેચમાં કર્ણાટકે તમિલનાડુને માત્ર 91 રનમાં જ ઓલઆઉટ કરીને 4 વિકેટના ભોગે લક્ષ્યાંક કબજે કરી લેતા તેમનો 6 વિકેટે વિજય થયો હતો. જ્યારે લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ પર રમાયેલી મેચમાં કેરળે 6 વિકેટે 185 રન કર્યા હતા, જેની સામે ઉડીસાની ટીમ 8 વિકેટે ૧24 રન જ કરી શકતાં કેરળનો 61 રને વિજય થયો હતો.
