બંગાળની ખાડીમાં સર્જાતું નવું વાવાઝોડું ‘સેન્યાર’, ત્રણ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી
દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને દક્ષિણ આંદામાન સમુદ્ર નજીક બનેલું લો પ્રેશર એરિયા આગામી કલાકોમાં ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ સિસ્ટમ આજે મોડી રાત્રે અથવા શનિવારે સવાર સુધી મજબૂત બનવાની શક્યતા છે. આ વાવાઝોડા કારણે તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને ઓડિશામાં ભારે વરસાદ તથા તેજ પવનો ત્રાટકશે. બંગાળની ખાડીમાં આ ચોમાસા પછીનું બીજું વાવાઝોડું બનવાની પૂરી સંભાવના વ્યક્ત થઈ રહી છે.
વાવાઝોડું ‘સેન્યાર’ થવાની અપેક્ષા
સ્કાયમેટ વેધર મુજબ, સમુદ્રી પરિસ્થિતિઓ વાવાઝોડાને મજબૂત કરવા અત્યંત અનુકૂળ છે. લો પ્રેશર ધીમે ધીમે ડિપ્રેશનમાં અને ત્યારબાદ ચક્રવાતી તોફાનમાં ફેરવાશે. આ ચક્રવાતનું નામ ‘સેન્યાર’ રાખવામાં આવશે, જે યુએઈ દ્વારા આપવામાં આવ્યું છે. સિસ્ટમ સમુદ્ર ઉપર લાંબી સફર કરશે, જેના કારણે તેની ગતિ અને તાકાત બંને વધવાની ધારણા છે. 23-24 નવેમ્બર દરમિયાન તે દક્ષિણ-મધ્ય બંગાળની ખાડી ઉપર મજબૂત બનશે.
ગુજરાતના હવામાનમાં હળવો ફેરફાર
છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં આકાશ સ્વચ્છ અને હવામાન શુષ્ક રહ્યું છે. લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા થોડું ઓછું રહેતા ઠંડીનો અહેસાસ વધ્યો છે. પૂર્વીય પવનો ફૂંકાતા હવામાન સ્થિર રહ્યું છે અને મોટો ફેરફાર નોંધાયો નથી. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે.
અમદાવાદમાં સ્વચ્છ આકાશની સંભાવના
આજે અમદાવાદ અને નજીકના વિસ્તારોમાં મુખ્યત્વે સ્વચ્છ આકાશ રહેશે. શહેરનું લઘુત્તમ તાપમાન 15°C આસપાસ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીમાં થોડો ઘટાડો જોવા મળી શકે છે, પરંતુ મોટા ફેરફારની શક્યતા હાલ નથી દેખાતી.
દક્ષિણ અને ઉત્તરપૂર્વમાં વરસાદની આગાહી
આજે કેરળ, તમિલનાડુ અને લક્ષદ્વીપમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ સંભાવના છે. ઉત્તરપૂર્વ ભારતના નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. મધ્યપ્રદેશના ભાગોમાં ઠંડીનું મોજું ફરી શકે છે, જ્યારે ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય ભારતમાં લઘુત્તમ તાપમાન ધીમે ધીમે વધશે.

