વેરાવળમાં ૩ દિવસ પહેલા મજૂર પર હુમલો કરનાર હિંસક દીપડો આખરે કેદ, તંત્રને મળી સફળતા

3 Min Read

વેરાવળના ઈશ્વરીયા ગામે ખેત મજૂર પર હુમલો કરનાર હિંસક દીપડો આખરે પાંજરે પુરાયો: ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો, વન વિભાગે દીપડાને અમરાપુર એનિમલ કેર સેન્ટર ખસેડ્યો

ગિર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ઈશ્વરીયા ગામે છેલ્લા કેટલાક દિવસોથી મચેલો ભય અને દહેશતનો માહોલ આખરે થાળે પડ્યો છે. ઈશ્વરીયા ગામના વાડી વિસ્તારમાં ત્રણ દિવસ પહેલાં એક ખેત મજૂર પર જાનલેવા હુમલો કરનાર આદમખોર અને હિંસક દીપડો આખરે વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા પાંજરામાં પુરાઈ ગયો છે. દીપડાના સફળ રેસ્ક્યૂ બાદ વન વિભાગને મોટી સફળતા સાંપડી છે, જ્યારે બીજી તરફ છેલ્લા ત્રણ દિવસથી ફાળમાં જીવી રહેલા ઈશ્વરીયા ગામના ગ્રામજનો અને ખેડૂતોએ આખરે રાહતનો ઊંડો શ્વાસ લીધો છે.

ઘટનાની વિગત મુજબ, ત્રણ દિવસ પહેલાં ઈશ્વરીયા ગામના સીમ અને વાડી વિસ્તારમાં કામ કરી રહેલા એક ખેત મજૂર પર અચાનક ઝાડીઓમાંથી ધસી આવેલા દીપડાએ હુમલો કરી દીધો હતો. આ અચાનક થયેલા હુમલામાં મજૂર ગંભીર રીતે ઘવાયો હતો અને તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવને પગલે સમગ્ર ઈશ્વરીયા ગામ અને આસપાસના સીમ વિસ્તારોમાં ભારે સસપોન્સ અને દહેશતનો માહોલ વ્યાપી ગયો હતો. વાડી વિસ્તારમાં રહેતા ખેડૂતો અને મજૂરો માટે ખેતરમાં કામ કરવા જવું કે રાત્રિના સમયે વાડીએ રોકાવું અત્યંત જોખમી બની ગયું હતું. લોકો ભયના માર્યા ઘરમાં પૂરાઈ રહેવા મજબૂર બન્યા હતા.

- Advertisement -

dip.jpg

ઘટના અંગે ગ્રામજનો દ્વારા તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી હતી. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વેરાવળ વન વિભાગની ટીમ તાત્કાલિક હરકતમાં આવી હતી અને ઈશ્વરીયા ગામના વાડી વિસ્તારમાં દોડી ગઈ હતી. વન વિભાગ દ્વારા દીપડાની અવરજવર વાળા માર્ગો અને તેના પગમાર્ક (પગલાંના નિશાન)ના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. દીપડાને વહેલી તકે પકડી પાડવા માટે વન વિભાગે વ્યૂહાત્મક પ્લાનિંગ કરીને વાડી વિસ્તારના અલગ-અલગ સંવેદનશીલ સ્થળો પર મારણ સાથેના મજબૂત પાંજરા ગોઠવી દીધા હતા.

- Advertisement -

પાંજરા ગોઠવ્યા બાદ વન વિભાગના કર્મચારીઓ દ્વારા રાત-દિવસ વિસ્તારમાં પેટ્રોલીંગ અને સઘન વોચ રાખવામાં આવી રહી હતી. આખરે વન વિભાગની મહેનત રંગ લાવી હતી. રાત્રિના સમયે ખોરાકની શોધમાં નીકળેલો દીપડો વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા પાંજરામાં મુકાયેલા મારણની લાલચે અંદર પ્રવેશ્યો હતો અને પાંજરાનું બારણું બંધ થઈ જતાં દીપડો આખરે આબાદ રીતે પાંજરે પુરાઈ ગયો હતો. વહેલી સવારે પાંજરામાં દીપડો પુરાયો હોવાની જાણ થતાં જ વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

dipa.jpg

પાંજરે પુરાયેલા દીપડાને જોવા માટે સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. વન વિભાગની પ્રારંભિક તપાસમાં પાંજરે પુરાયેલો દીપડો સંપૂર્ણપણે સ્વસ્થ હોવાનું માલૂમ પડ્યું હતું. ત્યારબાદ વન વિભાગ દ્વારા તમામ સુરક્ષાના ધોરણો જાળવીને પાંજરાને ખાસ વાહનમાં કવર કરીને અમરાપુર ખાતે આવેલા એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે વન વિભાગના પશુ ચિકિત્સકો દ્વારા દીપડાનું તબીબી પરીક્ષણ (મેડિકલ ચેકઅપ) કરવામાં આવશે અને ત્યારબાદ ઉચ્ચ અધિકારીઓની સૂચના મુજબ તેને ઊંડા જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે.

- Advertisement -
Share This Article