રાજ્યના અનેક શહેરોમાં યુવકોને નિશાન બનાવતી ટોળકી ઝડપાઈ
રાજ્યભરમાં ભોળા યુવકોને લગ્નના નામે છેતરપિંડી કરતી ગેંગ પોલીસના જાળમાં સપડાઈ ગઈ છે. આ ટોળકી પહેલા યુવકોને વિશ્વાસમાં લઈને લગ્ન કરતી અને પછી થોડા જ દિવસોમાં લાખો રૂપિયા અને દાગીના લઈને રફૂચક્કર થઈ જતી. જો કોઈ યુવક પોતાની રકમ પાછી માંગે તો તેને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવતી. પોલીસના હાથ ચોંકાવનારા પુરાવા લાગ્યા બાદ સમગ્ર ગેંગને ઝડપી લેવામાં આવી છે.
સચિન પટેલની ફરિયાદથી ખુલ્યો મોટો કાંડ
બેચરાજીના આદિવાડા ગામના સચિન પટેલે ફરિયાદ કરતાં આ છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો. ગયા ઓગસ્ટમાં સચિને ચાંદની રાઠોડ સાથે લગ્ન કરતાં પહેલા 5 લાખ રૂપિયા અને દાગીના આપ્યા હતા. પરંતુ લગ્નના ચાર દિવસ પછી ચાંદનીનો કહેવાતો બનેવી રાજુ ઠક્કર આવી ગયો અને પિતાની બીમારીનું નાટક કરી ચાંદનીને લઈને ચાલ્યો ગયો. બાદમાં ચાંદનીએ ફોન બંધ કરી દીધો અને પછી છૂટાછેડા માટે વધારાના 50 હજાર રૂપિયાની માંગણી કરી હતી. પૈસા ન મળે તો સચિનને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપી હતી.
રાજ્યમાં 15થી વધુ લગ્નો કરીને છેતરપિંડી
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ચાંદની માત્ર સચિન જ નહિ, પણ રાજ્યના અનેક શહેરોમાં 15થી વધુ વખત લગ્ન કરી ચૂકી છે. વાવ, ઈડર, પાટણ, બાવળા, અમદાવાદ, રાજકોટ અને મોરબી સહિતના વિસ્તારોમાં આ ટોળકીના શિકાર બનેલા લોકોની સંખ્યા મોટી છે. દરેક લગ્નમાં યુવકો પાસેથી 2 થી 5 લાખ રૂપિયા લેવાતા અને થોડા દિવસોમાં દુલ્હન ગાયબ થઈ જતી. આ રીતે કુલ મળીને લાખોની છેતરપિંડી કરવામાં આવી છે.
રશ્મિકા અને સોનલના પણ અનેક નકલી લગ્ન
ચાંદની સાથે રશ્મિકા અને સોનલ નામની બે મહિલાઓ પણ દુલ્હન બનીને છેતરપિંડી કરતી હતી. રશ્મિકાના વડોદરામાં એક લગ્ન બાકી હતા, જ્યારે બે જગ્યાએ લગ્ન કર્યા હતા. સોનલ ઉર્ફે રીંકલે પણ બે નકલી લગ્ન કર્યા હતા. આ ત્રણેય મહિલાઓ અને તેમના દલાલોએ અત્યાર સુધીમાં અંદાજિત 52 લાખ રૂપિયા અને દાગીનાનો લાભ મેળવ્યો હોવાનું જાણવા મળ્યું છે. દરેક વખતે તેઓ પોતાની ઓળખ છુપાવવા ખોટા દસ્તાવેજો રજૂ કરતા હતા.
ખોટા દસ્તાવેજોથી ગેંગ સાવચેતીપૂર્વક કામ કરતી
આ ગેંગ પકડાઈ ન જાય તે માટે દુલ્હનો લગ્ન સમયે નામ અને અટક બદલી નાખતા હતા. ખોટા આધાર કાર્ડ, લિવિંગ સર્ટિફિકેટ અને સ્થાનિક ઓળખ બતાવી તેઓ સહેલાઈથી યુવકોને ફોસલાવતા. હાલ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ચાંદની, તેની માતા સવિતાબેન, દલાલ રાજેશ અને રશ્મિકાની ધરપકડ કરી છે. આગળ વધુ ભોગ બનનારાઓની શોધખોળ અને પુરાવા એકત્ર કરવાની કામગીરી ચાલુ છે.

