10 માં બોર્ડની મુખ્ય પરીક્ષાઓ પૈકી મંગળવારે અંતિમ સંસ્કૃત વિષયની પરીક્ષા હતી.ત્યારે ભારતની તમામ ભાષાઓની જનની ગણાતી પ્રાચીન ભાષા સંસ્કૃતના પેપરમાં કુલ મળીને 105 ભૂલો છપાતા વિદ્યાર્થીઓ આવા ભૂલવાળા પ્રશ્નોને સમજીને તેનો શું જવાબ આપવો તે બાબતે અસમંજસમાં મુકાઈ ગયા હતાં.
મંગળવારે બપોરે સ્કોરિંગ સબ્જેક્ટ ગણાતા સંસ્કૃત વિષયની પરીક્ષા આપીને નીકળેલા વિદ્યાર્થીઓમાં સંસ્કૃતના પ્રશ્નપત્રમાં અનેક ભૂલો આવ્યા બાબતનો ગણગણાટ જોવા મળ્યો હતો. કુલ 16 પાનાના 100 માર્ક્સના આ પ્રશ્નપત્રમાં દરેક પાને અસંખ્ય ભૂલો આવતા બહુધા ભારતીય ભાષાઓની જનની ગણાતી સંસ્કૃત ભાષાનું રીતસર ખૂન થયું હોય તેવો ઘાટ સર્જાયો હતો. સંસ્કૃતના પાઠ્ય પુસ્તકમાં જે પ્રકારે છપાયેલું છે તેના કરતા વિપરીત પ્રશ્નપત્રમાં છપાયેલું જોવા મળ્યું હતું.
આ ભુલો ઉપરથી વિદ્યાર્થીઓ પાસે પહોંચાડવા પૂર્વે પ્રશ્નપત્ર ચેક નહીં કરાયું હોવાનું સ્પષ્ટ થઇ રહ્યું છે.છાપકામમાં થયેલ ભૂલોને કારણે જે તે શબ્દનો અન્ય અર્થ થઇ ગયો છે. પ્રશ્નપત્રમાં‘દાર’ અર્થાત પત્ની હોવું જોઈએ તે બદલે ‘દ્વાર’ અર્થાત દરવાજો થઇ ગયું છે. આ સહિતની કુલ 105 ક્ષતિઓ સામે આવતા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોએ અસંતોષ વ્યક્ત કરી આ પેપર કાઢનારની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.