18 માર્ચની આ ઘટનામાં મહેસાણા 17 વર્ષના દલિત તરુણને બે વ્યક્તિ દ્વારા ઝાડ સાથે બાંધીને માર મારવાની અને જાતિના આધારે અપમાન કરવાની ફરિયાદ નોંધાઈ છે.
ચાણસ્મા પોલીસના ચોપડે નોંધાયેલી ફરિયાદ અનુસાર મહેસાણાનો રહેવાસી મીતકુમાર ચાવડા 12માં ધોરણનું અંગ્રેજીનું પેપર આપવા જઈ રહ્યો હતો ત્યારે આ ઘટના ઘટી હતી.
પીડિતના જણાવ્યા અનુસાર ધીણોજ ગામમાં આવેલી સાર્વજનિક વિદ્યા મંદિર હાઇસ્કૂલ બહારથી તેને બે વ્યક્તિએ બળજબરીપૂર્વક બાઇક પર બેસાડી નજીકમાં આવેલા ખેતરમાં લઈ જઈ માર માર્યો હતો.
ધીણોજ ગામની ‘સાર્વજનિક વિદ્યામંદિર હાઇસ્કુલ’ના પરીક્ષા કેન્દ્ર ખાતે મીત બોર્ડની પરીક્ષાનું અંગ્રેજીનું પેપર આપવા ગયો હતો. હાઇસ્કુલની બહાર તે ઊભો હતો એ દરમિયાન જ એક શખ્સ તેની પાસે આવ્યો અને ‘તારું કામ છે’ એવું કહીને મીતને સાથે આવવા કહ્યું હતું. મીતને બોલાવનારી વ્યક્તિ રમેશ પટેલ બસ કંડક્ટર તરીકે નોકરી કરતી હોવાથી મીત તેને ઓળખતો હતો એવું મીતે ફરિયાદમાં જણાવ્યું છે. પરીક્ષા હોવાથી મીતે સાથે આવવાની ના પાડી અને આરોપીએ પરીક્ષા ચાલુ થતા પહેલાં પાછા મૂકી જવા કહ્યું હતું. મીતના જણાવ્યા અનુસાર રમેશ પટેલ અને અન્ય એક વ્યક્તિ તેમને બાઇક પર બેસાડીને નજીકના ખેતરમાં લઈ ગયા હતા. જ્યાં લીમડાના વૃક્ષ સાથે બાંધીને ‘લીમડાની સોટીથી’ મીતને માર મારવામાં આવ્યો હોવાનું પણ ફરિયાદમાં નોંધ્યું છે.