આઇપીઍલમાં અત્યાર સુધી ટાઇટલથી વંચિત વિરાટ બ્રિગેડ અને વધતી જતી વય વચ્ચે પ્રદર્શનમાં વધુ નિખાર ધરાવતા ધોનીના ધુંરધરો વચ્ચે શનિવારે ખેલાનારા જંગની સાથે જ ઇન્ડિયન પ્રીમિયર લીગનું બ્યુગલ વાગશે. કોહલીની ટીમ જો આ પ્રથમ મેચમાં ધોનીના ધુરંધરોને તેમના ઘરઆંગણે પહેલી મેચમાં જ હરાવી દેશે તો તેમના માટે આઇપીઍલની ૧૨મી સિઝનની તેનાથી મોટી અને સારી કોઇ શરૂઆત નહીં જ રહે.
ચેન્નઇની કોર ટીમની વય ત્રીસી પાર છે. મતલબ કે કેપ્ટન ધોની અને શેન વોટ્સન બંને ૩૭ વર્ષના છે, જ્યારે ડ્વેન બ્રાવો ૩૫, ફાફ ડુ પ્લેસિસ ૩૪, અંબાતી રાયડુ અને કેદાર જાદવ ૩૩, સુરેશ રૈના ૩૨ તેમજ ઇમરાન તાહિર ૩૯ તો હરભજન સિંહ ૩૮ વર્ષનો છે. આ સિવાયના લેગ સ્પિનર કર્ણ શર્મા ૩૧ તો મોહિત શર્મા પણ ૩૦ વર્ષનો છે. જા કે આઇપીઍલમાં સતત સારું પ્રદર્શન કરનારી ચેન્નઇ સુપર કિંગ્સે હંમેશા વય ઍક આંકડો જ હોવાનું પુરવાર કર્યુ છે. આ ટીમ હંમેશા ટોચની ચાર ટીમમાંથી ઍક રહી છે અને તેણે પોતાના ચાહકોને હંમેશા ઉજવણી કરવાની તક પુરી પાડી છે.
ચેન્નઇની ટીમ ચાર વાર ચેમ્પિયન બની છે, તો બેંગ્લોરની ટીમમાં ઘણાં મોટા નામ હોવા છતાં આ ટીમ હજુ સુધી ઍકેય વાર ટાઇટલ જીતી શકી નથી. શનિવારે રમાનારી મેચનું પરિણામ બોલરો અને દબાણનો સામનો કરવાની ક્ષમતા પર નિર્ભર કરશે. ચેન્નઇના અંબાતી રાયડુ અને રવિન્દ્ર જાડેજા સારા પ્રદર્શન વડે વિશ્વકપની ટીમમાં સામેલ થવાનો પ્રયાસ કરશે. જ્યારે બેંગ્લોરના ઝડપી બોલર ઉમેશ યાદવની નજર પણ તેના પર જ ટકેલી હશે.
