કબૂતર ખૂબ જ સામાન્ય પક્ષી માનવામાં આવે છે. આપણી આસપાસ જોઇએ તો, કબૂતર લગભગ બધે જ જોવા મળે છે. રાજા-રજવાડાઓના સમયમાં સંદેશાવાહક તરીકે કબૂતર લોકપ્રિય પક્ષી હતું, પરંતુ હવેના આધુનિક સમયમાં આ પક્ષી સામાન્ય મહત્વ ધરાવે છે.
રસપ્રદ બાબત એ છે કે, વિશ્વમાં કબૂતરની એક એવી પ્રજાતિ છે, જે સામાન્ય નથી. આ અસામાન્ય કબૂતર અતિ મૂલ્યવાન છે અને તેની કિંમત 9.7 કરોડ રુપિયા છે. ચાઇનામાં રહેતા એક શખ્સે 1.4 મિલિયન ડોલર એટલે કે 9.7 કરોડ રુપિયામાં આ ખાસ કબૂતરને ખરીદ્યુ છે.
આ કબૂતરનું નામ અરમાન્ડો છે અને તે બેલ્જિયમ દેશનું કબૂતર છે. જે લાંબી રેસ માટે જાણીતું છે. અરમાન્ડો એકમાત્ર લોન્ગ ડિસટેન્સ રેસિંગ પીજન છે, જે કબૂતરોના લુઇસ હૈમિલ્ટનના નામથી સુપ્રસિદ્ધ છે. તેની ખાસ લાક્ષણિકતાઓને કારણે આ કબૂતર સૌથી મોંઘી કિંમતે વેચાયું હતું અને વિશ્વનું સૌથી મોંઘુ પક્ષી બની ગયું છે. હાલમાં આ કબૂતર 5 વર્ષનું છે, તેમ છતાં તેને ચીનના એક શખ્સે ભારે કિંમતથી ખરીદ્યુ હતું. આ સિવાય આ હરાજીમાં અરમાન્ડો સહિત 178 કબૂતરો વેચાયા, જેમાં અરમાન્ડોના 7 બચ્ચાઓ પણ સામેલ હતા.