Adani Power: શિયાળામાં વીજળીની માંગ ઘટવાને કારણે બાંગ્લાદેશે અદાણી ગ્રૂપ પાસેથી તેની વીજળીની ખરીદી અડધી કરી દીધી
Adani Power: બાંગ્લાદેશે સોમવારે માહિતી આપી હતી કે તેણે અદાણી જૂથ પાસેથી વીજળીની ખરીદી અડધી કરી દીધી છે. બાંગ્લાદેશના એક અધિકારીએ જણાવ્યું કે ઠંડીના કારણે દેશમાં વીજળીની માંગ ઘટી છે. જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. અદાણી ગ્રૂપને લગતા લાખો ડોલરના લેણાંને લઈને ચાલી રહેલા મતભેદ વચ્ચે બાંગ્લાદેશ સરકારના આ નિર્ણયને નિષ્ણાતો શંકાની નજરે જોઈ રહ્યા છે.
બાંગ્લાદેશે સ્પષ્ટ કર્યું કે આ નિર્ણયને બાકી વિવાદ સાથે કોઈ લેવાદેવા નથી. સરકાર અદાણી ગ્રુપના બાકી લેણાં ચૂકવવાનું ચાલુ રાખશે. ઓક્ટોબરમાં, અદાણી જૂથ દ્વારા ચૂકવણીમાં વિલંબને કારણે બાંગ્લાદેશનો વીજળીનો પુરવઠો અડધો થઈ ગયો હતો. બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ નવી સરકાર અને અદાણી ગ્રૂપ વચ્ચે વીજળી ચૂકવણીને લઈને વિવાદ ચાલી રહ્યો છે.
કાપ પર રોષ
આ બાબતની માહિતી આપતાં બાંગ્લાદેશની સરકારી પાવર કંપનીના ચેરમેન મોહમ્મદ રેઝાઉલ કરીમે જણાવ્યું હતું કે, “જ્યારે અદાણી ગ્રુપે અમારો વીજ પુરવઠો કાપી નાખ્યો ત્યારે અમે ચોંકી ગયા અને ગુસ્સે થઈ ગયા. તેથી જ્યારે શિયાળામાં માંગ ઘટી છે, ત્યારે અમે તેમને જાણ કરી હતી કે હવે વીજ પુરવઠો અડધો કરી દેવો જોઈએ.
અદાણી ગ્રુપે શું કહ્યું?
આ મામલે અદાણી ગ્રૂપના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ગ્રૂપ બાંગ્લાદેશને વીજળીનો પુરવઠો ચાલુ રાખે છે, પરંતુ તેઓ વધતા લેણાંથી ચિંતિત છે. પ્રવક્તાએ એમ પણ કહ્યું કે જ્યારે બાંગ્લાદેશથી સામાન્ય પુરવઠો ફરી શરૂ કરવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમને કોઈ ચોક્કસ જવાબ મળ્યો ન હતો.
ઝારખંડથી વીજળી પુરવઠો
અદાણી જૂથ તેના ઝારખંડ ખાતેના પ્લાન્ટમાંથી બાંગ્લાદેશને વીજળી સપ્લાય કરે છે. જૂથના અહીં બે પ્લાન્ટ છે, અને દરેકની ક્ષમતા 800 મેગાવોટ છે. વર્ષ 2017માં અદાણી ગ્રૂપ અને બાંગ્લાદેશ સરકાર વચ્ચે થયેલા કરાર બાદથી ગ્રૂપ તેને સપ્લાય કરી રહ્યું છે.
રોઇટર્સના અહેવાલ મુજબ, અદાણી પાવર તેના સપ્લાયર્સ વચ્ચે સૌથી વધુ દર વસૂલે છે. 30 જૂન, 2024 ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષ દરમિયાન તેની પ્રતિ યુનિટ કિંમત 14.87 રૂપિયા હતી, જ્યારે તમામ ભારતીય સપ્લાયર્સ માટે સરેરાશ 9.57 રૂપિયા હતી.