અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં એડિશનલ સેશન્સ જજ ડી.પી.મહિડાએ ગુરુવારે 8 મહિલાઓ સહિત દસ આરોપીઓને દોષિ જાહેર કર્યા છે. સજાની સુનાવણી બપોર બાદ કરવામાં આવી શકે છે. આ સાથે જ કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે, આરોપીઓ પૈકી બે સામે આઇપીસીની કલમ 304(2) મુજબ અને અન્ય મહિલા આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટની જુદી જુદી કલમો મુજબ ગુનો સાબીત થાય છે, ગંભીર પ્રકારની ઘટના હતી અને 23 વ્યક્તિઓના મોત નિપજ્યા હતા ત્યારે આવા કેસમાં દયા ન દાખવી શકાય. ઉલ્લેખનીય છે કે, આ કેસના 24 આરોપીઓ પૈકી કોર્ટે 12ને શંકાનો લાભ આપી છોડી મુક્યા છે જ્યારે 10ને સજા કરી છે તથા 2 સામે હજુ કેસ પડતર છે. એક સાથે 8 મહિલાઓને સજા થઇ હોય તેવી અમદાવાદની આ પ્રથમ ઘટના છે.
7થી 9 જૂન 2009 દરમિયાન શહેરના ઓઢવ, કાગડાપીઠ અને બાપુનગર વિસ્તારમાં લઠ્ઠાકાંડ થયો હતો અને 150 લોકોના મોત થયા હતા. જ્યારે 250 જેટલા લોકોને ગંભીર અસર થઇ હતી જે પૈકી કેટલાક લોકોની આંખો જતી રહી હતી. આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે પોલીસ કર્મચારી સહિત 39થી વધુ લોકોની ધરપકડ કરી ચાર્જશીટ કરી હતી. ત્યારે કાગડાપીઠ લઠ્ઠાકાંડ કેસમાં ઝડપાયેલા 24 આરોપીઓ સામે સેશન્સ કોર્ટમાં કેસ ચાલી જતા 10ને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા.
આરોપીઓની સજા અંગે સ્પે. સરકારી વકીલ અમિત પટેલે કોર્ટને જણાવ્યું હતું કે, ગંભીર પ્રકારનો ગુનો છે, 24 લોકોના ઝેરી દારૂ પિવાને કારણે મોત થયા હતા જ્યારે સંખ્યાબંધ લોકોને શરીરમાં ખામી થઇ હતી. ત્યારે દોષિત જાહેર કરેલા આરોપીઓને પુરે પુરી સજા થવી જોઇએ, જુદી જુદી કલમ હેઠળ દોષિત ઠરેલા આરોપીઓને અલગ અલગ સજા ભોગવવાનો કોર્ટે આદેશ કરવો જોઇએ, જ્યારે વિનોદ તો ફરાર થઇ ગયો હતો તે મુદ્દો કોર્ટે ધ્યાને લઇ સખતમાં સખત સજા કરવી જોઇએ.