Indigo-Mahindra Case: મહિન્દ્રા અને ઇન્ડિગો વચ્ચે ‘6E’ વિષે કાનૂની લડત: કારણ શું?
Indigo-Mahindra Case: દેશની સૌથી મોટી એરલાઈન ઇન્ડિગો (Indigo) અને દિગ્ગજ ઓટોમોબાઇલ કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (Mahindra and Mahindra) વચ્ચે ‘6E’ ટ્રેડમાર્કના ઉપયોગને લઈને કાનૂની વિવાદ શરૂ થયો છે. ઇન્ડિગોની પેરેન્ટ કંપની ઈન્ટરગ્લોબ એવિએશન (Interglobe Aviation) એ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની ઇલેક્ટ્રિક વાહન યુનિટ મહિન્દ્રા ઇલેક્ટ્રિક ઓટોમોબાઇલ લિમિટેડ (Mahindra Electric Automobile Limited) વિરુદ્ધ ટ્રેડમાર્ક ઉલ્લંઘન (Trademark Infringement) અંગે કેસ દાખલ કર્યો છે.
સ્ટોક એક્સચેન્જમાં કરાયેલ નિયમનકારી ફાઇલિંગ મુજબ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ જણાવ્યું હતું કે કંપનીની સબસિડિયરી મહિન્દ્રા ઇલેક્ટ્રિક ઓટોમોબાઇલ લિમિટેડે 26 નવેમ્બર, 2024ના રોજ તેની ઇલેક્ટ્રિક ઓરિજિન એસયુવી (SUV) BE 6e અને XEV 9e લોન્ચ કરી છે. મહિન્દ્રાના જણાવ્યા અનુસાર, BE 6e જે ઇલેક્ટ્રિક ઓરિજિન એસયુવી પોર્ટફોલિયોનો ભાગ છે, તેના ટ્રેડમાર્ક માટે ક્લાસ 12 (વાહનો) હેઠળ અરજી કરવામાં આવી છે.
કંપનીએ પોતાની સ્પષ્ટતા આપી છે કે BE 6e કોઈપણ રીતે 6E ટ્રેડમાર્ક નથી. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અનુસાર, BE 6e અને ઇન્ડિગોના “6E” ટ્રેડમાર્ક વચ્ચે કોઈ સમાનતા નથી. BE 6e તેની અલગ ડિઝાઇન અને શૈલી દ્વારા તેની વિશિષ્ટતાને દર્શાવે છે, અને તેમાં કોઈ ગેરસમજ થવાની સંભાવના નથી.
અગાઉ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ જણાવ્યું હતું કે તે અને મહિન્દ્રા ઇલેક્ટ્રિક ઓટોમોબાઇલ લિમિટેડે ટ્રેડમાર્ક ઉલ્લંઘન અંગે ઇન્ટરગ્લોબ એવિએશન લિમિટેડની ચિંતાઓનો સંજ્ઞાન લીધો છે, જેનો તેઓનો કોઈ ઇરાદો નહોતો. તેઓ પ્રશ્નનો ઉકેલ શોધવા માટે ઇન્ડિગો સાથે ચર્ચા કરી રહ્યા છે.
ઇન્ડિગો, જેના પાસે દેશમાં 60%નો એરલાઈન માર્કેટ શેર છે, લાંબા સમયથી તેની બ્રાન્ડિંગ માટે “6E” ટ્રેડમાર્કનો ઉપયોગ કરે છે. રોઇટર્સના અહેવાલ મુજબ, ઇન્ડિગોએ દાવો કર્યો છે કે મહિન્દ્રાએ જાણબૂઝીને પોતાને એવિએશન ઉદ્યોગ સાથે જોડવાનો પ્રયાસ કર્યો છે અને તે સૂચવી રહ્યું છે કે તેની કાર એરલાઈનના કોકપિટ જેવી લાગે છે. દિલ્હીના હાઈકોર્ટમાં દાખલ કરાયેલા કેસમાં, ઇન્ડિગોએ મહિન્દ્રાના આ પગલા પર તાત્કાલિક પ્રતિબંધની માગ કરી છે.