બેંગલુરૂ : ગુરૂવારે રાત્રે અહીં રમાયેલી આઇપીએલની છઠ્ઠી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો 6 રને પરાજય થયો હતો,. જો કે અંતિમ બોલ પર જ્યારે 6 રનની જરૂર હતી ત્યારે લસિથ મલિંગાએ ફેંકેલો એ બોલ નો બોલ હતો એવું ટીવી રીપ્લેમાં દર્શાવાયા પછી આ મામલે આરસીબીનો કેપ્ટન વિરાટ કોહલી રોષે ભરાયો હતો. મલિંગાએ આ બોલ નો બોલ ફેંક્યો હોવા છતાં ફિલ્ડ અમ્પાયપ સુંદરમ રવિ અને સી નંદન તે જોઇ શક્યા નહોતા અને ટીવી રીપ્લેમાં દર્શાવાયા પછી થર્ડ અમ્પાયરે પણ આ બાબતે કોઇ પગલાં લીધા નહોતા.
જો આ બોલ નો બોલ જાહેર થયો હોત તો તે પછીનો બોલ ફ્રી હીટ મળ્યો હોત અને તે સમયે સ્ટ્રાઇક પર 41 બોલમાં 70 રન ફટકારનાર એબી ડિવિલિયર્સ હોત, તો મેચનું પરિણામ બદલાઇ ગયું હોત. પણ અમ્પાયરે કરેલી ભુલ આરસીબીને ભારી પડી હતી. આરસીબી કેપ્ટન વિરાટ કોહલી અમ્પાયરોની આ ભુલથી ખાસ્સો નારાજ થયો હતો અને તેણે મેચ પછીના પ્રેઝન્ટેશન સમયે કહ્યું હતું કે આપણે આઇપીએલના લેવલે રમીએ છીએ કો ક્લબ કે ગલી ક્રિકેટ નથી રમતા, અમ્પાયરોએ પોતાની આંખ ખુલ્લી રાખવી જોઇએ. છેલ્લા બોલે તેમણે કોઇ નિર્ણય ન કર્યો તે હાસ્યાસ્પદ હતું.