બેંગ્લુરૂ : ભારતીય ટીમના સ્ટાર સ્પિનર યજુવેન્દ્ર ચહલે આઇપીએલની 12મી સિઝનમાં એક ખાસ સિદ્ધિ મેળવી હતી, આ સિદ્ધિ આઇપીએલમાં તેના પહેલા હરભજન સિંહ અને અમિત મિશ્રા જ મેળવી શક્યા છે. ગુરૂવારે રમાયેલી મેચમાં યુવરાજે જ્યારે તેને સતત ત્રણ બોલમાં ત્રણ છગ્ગા માર્યા ત્યારે સોશિયલ મીડિયા પર લોકોએ તેનેં ટ્રોલ કર્યો હતો. જોકે આ દરમિયાન તેણે યુવરાજને આઉટ કર્યો હતો અને સાથે જ તેણે એક જ મેદાન પર 50 આઇપીએલ વિકેટ પુરી કરવાની સિદ્ધિ પણ મેળવી હતી.
આઇપીએલમાં આ પહેલા હરભજન સિંહ અને અમિત મિશ્રાએ એક જ મેદાન પર 50 વિકેટ પુરી કરવાની સિદ્ધિ મેળવી હતી. હરભજને મુંબઇના વાનખેડે સ્ટેડિયમ પર આઇપીએલની 50 વિકેટ ઝડપી છે, તો મિશ્રાએ દિલ્હીના ફિરૉઝ શાં કોટલા મેદાન પર આ આંકડો પુરો કર્યો છે. ચહલે મુંબઇ ઇન્ડયન્સ સામેની ગુરૂવારની મેચમાં ચાર વિકેટ ઉપાડીને બેંગ્લુરૂના સ્ટેડિયમ પર પોતાની 50 વિકેટ પુરી કરી હતી. તેણે ક્વિન્ટોન ડિ કોકના રૂપમાં આ મેચની પોતાની પહેલી વિકેટ ઉપાડી તેની સાથે જ તેની વિકેટનો આંકડો 50 પર પહોંચી ગયો હતો.