નવી દિલ્હી : દિલ્હી કેપિટલ્સની ટીમ આવતીકાલે રાત્રે ૮.૦૦ વાગ્યે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં પોતાની ત્રીજી મેચ રમવા માટે પોતાના હોમ ગ્રાઉન્ડ પર મેદાને ઉતરશે ત્યારે ઍ વાતની સંભાવના વધુ રહેશે કે ફિરોજ શા કોટલા મેદાનની પરિસ્થિતિ કોલકાતા નાઇટ રાઇડર્સને વધુ ગમશે. આ પહેલાની મેચમાં પણ ચેન્નઇ સુપર કિંગ્સે હોમ ટીમની સરખામણીઍ પરિસ્થિતિનો વધુ ફાયદો ઉઠાવ્યો હતો. બેટિંગ માટે મુશ્કેલ વિકેટ પર તેના સ્પિનરોને પીચમાંથી વધુ મદદ મળી હતી.
કેકેઆર પાસે ભારતીય ટીમનો મુખ્ય સ્પિનર કુલદીપ યાદવ છે અને તેની સાથે પિયુષ ચાવલા અને સુનિલ નરીન જેવા દિગ્ગજ સામેલ છે ત્યારે આ ત્રિપુટી દિલ્હીને તેના જ મેદાન પર પાણી પીવડાવે તેવી સંભાવના છે. દિલ્હી માટે રાહતની વાત ઍ છે કે તેના શિખર ધવન અને ઋષભ પંત ફોર્મમાં છે, જા કે અહીની ધીમી પીચ અને કેકેઆરની સ્પિન ત્રિપુટી તેમને ખુલીને બેટિંગ કરવા દેશે કે કેમ તે મોટો સવાલ છે. આ તરફ દિલ્હીના સ્પિનર અક્ષર પટેલ, રાહુલ તિવેટીયા અને અમિત મિશ્રા સામે કેકેઆરના બેટ્સમેનો પર અંકુશ મુકવાનો પડકાર પણ હશે.