દુબઇ : શુક્રવારે અહીં રમાયેલી સિરીઝની ચોથી વનડેમાં ગ્લેન મેક્સવેલની તોફાની ઇનિંગ અને ઉસ્માન ખ્વાજાની જોરદાર અર્ધસદી પછી બોલરોએ કરેલા સારા પ્રદર્શનને કારણે ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 6 રને હરાવીને પાંચ વનડેની સિરીઝમાં 4-0ની અજેય સરસાઇ બનાવી લીધી છે. ઓસ્ટ્રેલિયાનો આ સતત 7મો વનડે વિજય છે, જે વર્લ્ડ કપ 2019 પહેલા તેમના માટે સારો સંકેત છે. જ્યારે પાકિસ્તાનની ટીમ આ સતત ચોથી વનડે હારી છે.
ઓસ્ટ્રેલિયા દ્વારા મુકાયેલા 278 રનના લક્ષ્યાંકના જવાબમાં પાકિસ્તાન તરફથી આબિદ અલીએ 112 અને મહંમદ રિઝવાને 104 રન કર્યા હતા અને એક સમયે તેમનો સ્કોર 2 વિકેટે 218 રનનો હતો, પણ તે પછી તેઓ 50 ઓવરમાં 8 વિક્ટે 278 રન સુધી જ પહોંચી શકયા હતા. તેના કારણે તેઓ આ મેચ 6 રને હારી ગયા હતા. આબિદ અને રિઝવાનની સદી સિવાય પાકિસ્તાન માટે હેરિસ સોહેલે 25 રન કર્યા હતા. તેના સિવાય અન્ય કોઇ બેટ્સમેન બે આંકડે પહોંચી શક્યો નહોતો. ઓસ્ટ્રેલિયા વતી નાથન કુલ્ટર નાઇલે 3 સ્ટોઇનીસે 2 જ્યારે કેન રિચર્ડસન, નાથન લિયોન તેમજ એડમ ઝમ્પાએ 1-1 વિકેટ ઉપાડી હતી.
આ પહેલા ટોસ હારીને બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમને એરોન ફિન્ચ અને ખ્વાજાએ મજબૂત શરૂઆત અપાવી હતી. જો કે એક સમયે ઓસ્ટ્રેલિયાએ 140 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. જો કે તે પછી મેક્સવેલે 82 બોલમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 98 રન જ્યારે એલેક્સ કેરીએ 55 રનની ઇનિંગ રમી હતી. જેના કારણે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 7 વિકેટે 277 રન કર્યા હતા.