મોહાલી : ક્રિસ ગેલ ટી-20 ક્રિકેટમાં છગ્ગા ફટકારવા મામલે સૌથી આગળ રહે છે અને તેને યુનિવર્સલ બોસ તરીકેનું ઉપનામ મળ્યું છે. આઇપીએલમાં પણ તે પોતાની વિસ્ફોટક બેટિંગના કારણે લોકપ્રિય છે. ત્યારે આઇપીએલમાં તે છગ્ગાની ત્રેવડી સદી પુરી કરવાની નજીક છે, જે શનિવારે અહીં રમાનારી મુંબઇ સામેની મેચમાં પુરી થવાની સંભાવના છે.
ક્રિસ ગેલ આઇપીએલમાં છગ્ગાની ત્રેવડી સદી ફટકારવાથી માત્ર બે છગ્ગા દૂર છે. જો તે મુંબઇ ઇન્ડિયન્સ સામેની શનિવારની મેચમાં બે છગ્ગા ફટકારશે તો આઇપીએલના ઇતિહાસમાં તે છગ્ગાની ત્રેવડી સદી પુરી કરનારો પહેલો બેટ્સમેન બનશે. ગેલે અત્યાર સુધી આઇપીએલની 114 મેચમાં 41.34ની એવરેજે 6 સદી અને 25 અર્ધસદીની મદદથી 4093 રન કર્યા છે. તેના નામે આઇપીએલમાં 298 છગ્ગા નોધાયેલા છે. આ યાદીમાં બીજા નંબરે આરસીબીનો ડિવિલિયર્સ આવે છે જેણે 192 છગ્ગા ફટકાર્યા છે. મતલબ કે તેના અને ગેલ વચ્ચે 106 છગ્ગાનું અંતર છે. આ યાદીમાં ધોની 187 છગ્ગા સાથે ત્રીજા તો સુરેશ રૈના 186 છગ્ગા સાથે ચોથા ક્રમે છે, જ્યારે રોહિત 185 છગ્ગા સાથે પાંચમા ક્રમે છે.