Sanjay Malhotra: મોંઘવારી અને સુસ્ત અર્થતંત્ર વચ્ચે સંજય મલ્હોત્રા બન્યા નવા આરબીઆઈ ગવર્નર
Sanjay Malhotra: ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર તરીકે સતત બે કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ શક્તિકાંત દાસે મંગળવારે રાજીનામું આપ્યું. શક્તિકાંત દાસે પદ પરથી રાજીનામું આપ્યા પછી, સંજય મલ્હોત્રાએ બુધવાર, 11 ડિસેમ્બરથી ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈના 26માં ગવર્નર તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. સંજય મલ્હોત્રા આજે આરબીઆઈ હેડક્વાર્ટર પહોંચ્યા હતા, જ્યાં વરિષ્ઠ અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. જે બાદ સંજય મલ્હોત્રાએ આગામી 3 વર્ષ માટે સેન્ટ્રલ બેંકના ગવર્નરનું પદ સંભાળ્યું. આ પ્રસંગે સંજય મલ્હોત્રાની સાથે ડેપ્યુટી ગવર્નર સ્વામીનાથન જે., એમ. રાજેશ્વર રાવ અને ટી. રવિશંકર પણ હાજર હતા.
સંજય મલ્હોત્રા પાસે 3 દાયકાથી વધુનો અનુભવ છે
સંજય મલ્હોત્રા, રાજસ્થાનના 1990 બેચના IAS અધિકારી, પાવર, ફાઇનાન્સ અને ટેક્સેશન જેવા મુખ્ય ક્ષેત્રોમાં જાહેર નીતિમાં ત્રણ દાયકાથી વધુનો અનુભવ ધરાવે છે. જોકે, સંજય મલ્હોત્રા એવા સમયે આરબીઆઈ ગવર્નરનું પદ સંભાળી રહ્યા છે જ્યારે દેશ મોંઘવારી તેમજ સુસ્ત અર્થવ્યવસ્થાનો સામનો કરી રહ્યો છે.
જીડીપી વૃદ્ધિ દર બીજા ક્વાર્ટરમાં ધીમો પડ્યો
તમને જણાવી દઈએ કે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં દેશનો જીડીપી ગ્રોથ રેટ ઘટીને 5.4 ટકા થઈ ગયો, જે 7 ક્વાર્ટરમાં સૌથી નીચો સ્તર છે. એટલું જ નહીં, છૂટક મોંઘવારી દર પણ વધીને ઓક્ટોબરમાં 14 મહિનાના સર્વોચ્ચ સ્તર 6.21 ટકા થઈ ગયો છે. નિષ્ણાંતોનું માનવું છે કે સંજય મલ્હોત્રાના નેતૃત્વમાં આવતા વર્ષે ફેબ્રુઆરીમાં યોજાનારી આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં વ્યાજદરમાં કાપની શક્યતા પ્રબળ બની છે.
લગભગ બે વર્ષથી રેપો રેટમાં કોઈ ફેરફાર થયો નથી
RBIના ગવર્નર હતા ત્યારે શક્તિકાંત દાસે લગભગ બે વર્ષ સુધી રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો ન હતો. ફુગાવાને નિયંત્રણમાં રાખવા માટે શક્તિકાંત દાસ રેપો રેટમાં કોઈ ફેરફાર કરી રહ્યા ન હતા. સરકારે RBIને CPI આધારિત ફુગાવાનો દર 2 ટકાની વધઘટ સાથે 4 ટકાની અંદર રાખવાનો લક્ષ્યાંક આપ્યો છે. જો કે, એવું માનવામાં આવે છે કે જીડીપીની વૃદ્ધિને ધ્યાનમાં રાખીને, ફુગાવા છતાં, રેપો રેટમાં આગામી બેઠકમાં ઘટાડો કરવામાં આવશે.