દુબઇ : ભારતીય ટેસ્ટ ટીમે સતત ત્રીજા વર્ષે આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે અપાતી ગદા પોતાની પાસે જાળવી રાખી છે. તેની સાથે જ આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપનું ટાઇટલ જાળવી રાખવા માટે આઇસીસી દ્વારા ટીમ ઇન્ડિયાને ઇનામ તરીકે 10 લાખ ડોલર આપવામાં આવશે. આઇસીસીના નિવેદન અનુસાર ભારતીય ટીમ ૧લી ઍપ્રિલની કટઓફ તારીખે ટેસ્ટ રેન્કિંગમાં પહેલા સ્થાને જળવાઇ રહી હતી, જ્યારે ન્યુઝીલેન્ડ બીજા સ્થાને રહ્યું હતું.
ઓસ્ટ્રેલિયામાં પહેલીવાર ટેસ્ટ સિરીઝ વિજયનો આસ્વાદ માણનારી ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીઍ કહ્યું હતું કે આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપની ગદા ફરી ઍકવાર જાળવી રાખવાથી અમે ખુબ ગૌરવાન્વિત અનુભવીઍ છીઍ. અમારી ટીમ અલગ અલગ ફોર્મેટમાં સારું પ્રદર્શન કરી રહી છે, પણ ટેસ્ટ રેન્કિંગમાં ટોચના સ્થાને રહેવાથી અમને વધુ ખુશી મળી રહી છે. ભારતીય ટીમ ટોચના સ્થાને રહેશે ઍ પહેલાથી નક્કી જ હતું, પણ ન્યુઝીલેન્ડે બીજા સ્થાને જળવાઇ રહેવા માટે બાંગ્લાદેશ સામે પરાજીત થતાં બચવાનું હતું. ન્યુઝીલેન્ડની ટીમ બીજા સ્થાને રહી તેના માટે તેમને 5 લાખ ડોલર ઇનામ તરીકે મળશે. જ્યારે ત્રીજા સ્થાને રહેલી દક્ષિણ આફ્રિકાની ટીમને 2 લાખ ડોલર અને દશાંશ પોઇન્ટને કારણે ઇંગ્લેન્ડથી આગળ રહેલા ઓસ્ટ્રેલિયાને 1 લાખ ડોલર મળશે.
