Surat Multimodal Transport Hub : સુરત રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ અપગ્રેડ: મેટ્રો, BRTS અને પ્લેન સાથે એક સ્થળે કનેક્ટિવિટી
સુરત રેલવે સ્ટેશન રૂ. 1476 કરોડના ખર્ચે મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે, જેમાં મેટ્રો, BRTS, અને રેલવે સ્ટેશનને કનેક્ટ કરાશે
આ પ્રોજેક્ટ 2026ના અંત સુધીમાં પૂર્ણ થઈ વિશ્વસ્તરીય સુવિધાઓ સાથેનું દેશનું પ્રથમ સ્ટેશન બનશે
સુરત, શુક્રવાર
Surat Multimodal Transport Hub :સુરત સેન્ટ્રલ રેલવે સ્ટેશનને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જેવી સુવિધાઓ સાથે વિશ્વસ્તરીય બનાવવા માટે રૂ. 1,476 કરોડના ખર્ચે નવનિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત રેલવે, એસ.ટી. બસ, મેટ્રો રેલ અને BRTS-સિટી બસ જેવી તમામ વાહન વ્યવસ્થાઓને એક જ સ્થળે એકત્ર કરવા માટે મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ (MMTH) તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ સાથે બુલેટ ટ્રેન અને એરપોર્ટને પણ કનેક્ટ કરવામાં આવશે. અત્યાર સુધીમાં પ્રોજેક્ટની 25% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને તે વર્ષ 2026ના અંત સુધીમાં પૂરી થશે.
પહેલું એવુ સ્ટેશન જ્યાં મેટ્રો અને બસની કનેક્ટિવિટી પણ મળશે
સુરત રેલવે સ્ટેશન દેશનું સૌથી અદ્યતન સ્ટેશન બનવા જઈ રહ્યું છે. આ પહેલીવાર છે જ્યારે રેલવે, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને GSRTC સાથે મળીને એક ઐતિહાસિક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. નવનિર્માણ પછી, સુરત રેલવે સ્ટેશન મેટ્રો અને બસ સ્ટેશનો સાથે સીધો જોડાશે. MMTH હબમાં 25 માળનું કોમર્શિયલ બિલ્ડિંગ પણ બનાવવામાં આવશે, જે મુસાફરો માટે વિવિધ સુવિધાઓ સાથે સેવા આપશે.
પ્રોજેક્ટની ખાસિયતો
MMTH પ્રોજેક્ટમાં મુસાફરોને સરળ પ્રવેશ, ઉત્તમ કનેક્ટિવિટી, નવી પૂર્વ-પશ્ચિમ માર્ગ વ્યવસ્થા અને પ્લેટફોર્મથી GSRTC ટર્મિનલ સુધી વિના અવરોધ અવરજવર માટે પ્લાઝા અને વોકવે બનાવવાની યોજના છે. આ હબમાં BRTS-સિટી બસ ટર્મિનલ, પાર્કિંગ, મનોરંજન વિસ્તાર, કોમર્શિયલ બિલ્ડિંગ્સ અને સ્કાયવોક જેવી અદ્યતન સુવિધાઓનો સમાવેશ થાય છે. પ્રોજેક્ટનો ખર્ચ રેલવે મંત્રાલય 63%, રાજ્ય સરકાર 24%, અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન 3% વહન કરી રહ્યા છે.
ટ્રાફિક સમસ્યાનો કાયદો પૂરો થશે
વેસ્ટર્ન રેલવેના ચીફ પીઆરઓ વિનીત અભિષેકના મતે, MMTH પ્રોજેક્ટ સુરતમાં ટ્રાફિકની સમસ્યાને નાબૂદ કરશે. એલિવેટેડ કોરિડોર અને સ્કાયવોક્સથી વાહન વ્યવહાર વધુ સરળ બનશે. પ્રોજેક્ટ પૂર્ણ થવાથી મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ ઇન્ટિગ્રેશન સાથે રોજગારીની તકો પણ વધશે.
2026 સુધીમાં કામગીરી પૂર્ણ થશે
MMTHના પ્રથમ તબક્કામાં પ્લેટફોર્મ નંબર 4નું કામ પૂરું થઈ ગયું છે. આગામી 98 દિવસમાં પ્લેટફોર્મ 2 અને 3નું કામ શરૂ થશે. સુરત રેલવે સ્ટેશન 2026ના અંત સુધીમાં વિશ્વસ્તરીય પરિવહન હબ તરીકે સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે.