મોહાલી : આઇપીઍલની 12મી સિઝનમાં વિજયના ઉંબરે પહોંચીને હારી ગયેલી દિલ્હી કેપિટલ્સની ટીમના કેપ્ટન શ્રેયસ ઐય્યરે કહ્યું હતું કે કિંગ્સ ઇલેવન પંજાબ સામેની મેચમાં તેની ટીમ ડરી ગઇ હતી અને લક્ષ્યાંકનો યોગ્ય અંદાજ ન બાંધી શકતા 14 રને પરાજિત થઇ હતી. વિજય માટેના 167 રનના લક્ષ્યાંક સામે દિલ્હીની ટીમ ના 17 ઓવરમાં 3 વિકેટે 144 રન હતા અને સેમ કરેનની હેટ્રિકની મદદથી પંજાબે દિલ્હીને 19.2 ઓવરમાં 152 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું.
પરાજય પછી ઐય્યરે કહ્યું હતું કે મારી પાસે શબ્દો નથી. આ ઍક મહત્વની મેચ હતી અને આવી મેચમાં હારવું અમારા માટે સારું નથી. તેણે કહ્યું હતું કે આ પરાજય નિરાશાજનક છે. જે રીતે અમે રમી રહ્યા હતા, તેને જોતા દરેક બોલે રનનો ટાર્ગેટ અઘરો નહોતો છતાં અમે હારી ગયા. અમે ચતુરાઇથી નહોતા રમ્યા. તેણે કહ્યું હતું કે અમે બે વિકેટ સતત ગુમાવી તેના કારણે હારી ગયા. આ પહેલા દિલ્હીઍ કોલકાતા નાઇટ રાઇડર્સને સુપર ઓવરમાં હરાવ્યું હતું.
