નવી દિલ્હી : બીસીસીઆઇના લોકપાલ જસ્ટિસ ડીકે જૈને માજી ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીને બંગાળ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ હોવા છતાં દિલ્હી કેપિટલ્સના સલાહકારની ભૂમિકા સ્વરૂપે હિતોના ટકરાવના આરોપ બાબતે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવા જણાવ્યું છે. ગાંગુલી સામે ફરિયાદ કરવામાં આવી છે કે સીએબીના અધ્યક્ષ હોવા છતાં તે ઇડન ગાર્ડન પર કોલકાતા નાઇટ રાઇડર્સ સામેની મેચ દરમિયાન દિલ્હીના ડગઆઉટમાં કઇ રીતે બેસી શકે.
જસ્ટિસ જૈને જણાવ્યું હતું કે હાં મેં સૌરવ ગાંગુલીને હિતોના ટકરાવ મામલે કરાયેલી ફરિયાદ અંગે જવાબ આપવા માટે કહ્યું છે. તેને પોતાનો જવાબ આપવા માટે 7 દિવસનો સમય અપાયો છે. એ ઉલ્લેખનીય છે કે સૌરવ ગાંગુલીએ પહેલાથી જ એવું સ્પષ્ટ કર્યું હતું કે દિલ્હી કેપિટલ્સના સલાહકાર તરીકેની ભૂમિકા તેણે વહીવટદારોની સમિતિ (સીઓએ) સાથે સલાહ મસલત કર્યા પછી જ સ્વીકારી હતી. જે તે સમયે ગાંગુલીએ કહ્યું હતું કે તેમાં સ્હેજ પણ હિતોનો ટકરાવ થતો નથી. મે પહંલાથી જ આઇપીએલ ઓપરેટિંગ કમિટીમાંથી રાજીનામુ આપી દીધું છે. મે આ નવી ભૂમિકા સ્વીકારતા પહેલા સીઓએ સાથે વાત કરી હતી.