વેલિંગ્ટન : ઇંગ્લેન્ડમાં રમાનારા આગામી આઇસીસી વર્લ્ડ કપ માટે ન્યુઝીલેન્ડે પોતાની 15 સભ્યોની ટીમ જાહેર કરી દીધી છે. આ ટીમમાં એક એનકેપ્ડ વિકેટકીપર બેટ્સમેન ટોમ બ્લંડેલને તક આપીને કીવી પસંદગીકારોએ બધાને આશ્ચર્યનો આંચકો આપ્યો છે. ટોમ બ્લંડેલ અત્યાર સુધી ન્યુઝીલેન્ડ વતી બે ટેસ્ટ અને 3 ટી-20 મેચ રમ્યો છે. જો કે તે હજુ સુધી એકપણ વનડે રમ્યો નથી.
સ્પિનરોની રેસમાં ઇશ સોઢી ટોડ એસ્ટલને પછાડી ટીમમાં સામેલ
આ તરફ સ્પિનરો વચ્ચેની રેસમાં ઇશ સોઢીએ ટોડ એસ્ટલને પછાડીને ટીમમાં સામેલ થવામાં સફળ થયો છે. સોઢી એસ્ટલ કરતાં 63 વનડે વધુ રમ્યો છે અને તેનો આ અનુભવ જ તેને ટીમમાં સામેલ કરાવી ગયો હતો. ડોમેસ્ટિક સિઝનમાં ટીમમાં ભાગીદાર રહેલા ઘણાં આગળ પડતાં ખેલાડીઓ વર્લ્ડ કપ માટેની ટીમમાં સામેલ થઇ શક્યા નથી.તેમાં સૌથી આગળ પડતું નામ ઝડપી બોલર ડગ બ્રેસવેલનું છે. કીવી ટીમમાં ઘણાં બધા ઝડપી બોલરો હોવાને કારણે તેને ટીમમાં સામેલ કરાયો નથી.
રોસ ટેલર ચોથો જ્યારે કેન વિલિયમ્સન ત્રીજો વર્લ્ડ કપ રમશે
આ વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડના અનુભવી ખેલાડીઓ કેન વિલિયમ્સન અને રોસ ટેલર એક સિદ્ધિ મેળવશે. રોસ ટેલર માટે આ ચોથો વર્લ્ડ કપ છે અને તે ચાર વર્લ્ડ કપ રમનારો ન્યુઝીલેન્ડનો 7મો ખેલાડી બનશે તો વિલિયમ્સન, ટીમ સાઉધી અને માર્ટિન ગપ્તિલ માટે આ ત્રીજો વર્લ્ડ કપ હશે. વર્લ્ડ કપ માટેની કીવી ટીમમાં ટ્રેન્ટ બોલ્ટ, મેટ હેનરી અને લોકી ફર્ગ્યુસન ત્રણ ઝડપી બોલર છે., જ્યારે મિચેલ સેન્ટનર અને ઇશ સોઢી સ્વરૂપે બે સ્પિનર છે. કોલિન ડિ ગ્રાન્ડહોમ અને જેમ્સ નિશમ સ્વરૂપે બે ઓલરાઉન્ડર છે.
ટોમ લાથમના બેકઅપ તરીકે ટોમ બ્લંડેલને ટીમમાં મળ્યું સ્થાન
વર્લ્ડ કપ માટેની કીવી ટીમમાં ટોમ લાથમને મુખ્ય વિકેટકીપર તરીકે સામેલ કરાયો છે. જ્યારે ટોમ બ્લંડેલને તેના બેકઅપ તરીકે ટીમમાં સ્થાન અપાયું છે. કોચ ગેરી સ્ટીડને એ 8 ખેલાડીઓ પર ગર્વ છે જે પહેલીવાર આ વર્લ્ડ કપ રમવા જઇ રહ્યા છે. કીવી કોચે કહ્યું હતું કે હું તમામ પસંદ કરાયેલા ખેલાડીઓને અભિનંદન આપવામ માગુ છું. વર્લ્ડ કપમાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરવું એ સન્માનની વાત છે, અને હું જાણું છું કે સમગ્ર ટીમ અને સપોર્ટ સ્ટાફ આગળના પડકારો તરફ જોઇ રહ્યા છે. ન્યુઝીલેન્ડ 1લી જૂને શ્રીલંકા સામે રમીને પોતાનું અભિયાન શરૂ કરશે.
વર્લ્ડ કપ માટે જાહેર કરાયેલી ન્યુઝીલેન્ડની 15 સભ્યોની ટીમ : કેન વિલિયમ્સન (કેપ્ટન), માર્ટિન ગપ્તિલ, હેનરી નિકોલ્સ, રોસ ટેલર, ટોમ લાથમ, કોલિન મુનરો, ટોમ બ્લંડેલ, જેમ્સ નિશમ, કોલિન ડિ ગ્રાન્ડહોમ, મિચેલ સેન્ટનર, ઇશ સોઢી, ટિમ સાઉધી, મેચ હેનરી, લોકી ફર્ગ્યુસન, ટ્રેન્ટ બોલ્ટ.