કુઆલાલમ્પુર : છેલ્લા કેટલાક સમયથી સારું પ્રદર્શન કરી રહેલી ભારતીય હોકી ટીમ મલેશિયા સામે ગુરૂવારથી શરૂ થઇ રહેલી પાંચ મેચની સિરીઝમાં વિજયની પ્રબળ દાવેદાર તરીકે મેદાનમાં ઉતરશે. ગોલકિપર સવિતાની આગેવાનીમાં ભારતીય ટીમે હાલમાં જ સ્પેનનો સફળ પ્રવાસ કર્યો હતો. જેમાં તેમણે યજમાન અને વર્લ્ડ કપ 2018ના બ્રોન્ઝ મેડલ વિજેતાને 5-2થી હરાવ્યું હતું. બે મેચ ડ્રો કરી હતી અનેં એક મેચમાં પરાજય વેઠ્યો હતો.
ભારતીય ટીમે વર્લ્ડ કપના રનર્સઅપ આયરલેન્ડ સામેની મેચ 1-1થી ડ્રો કરી હતી અને 3-0થી તેને હરાવ્યું હતું. ભારતીય ટીમના કોચ શોર્ડ મારિને કહ્યું હતું કે હંમેશા સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું સંભવ નથી. તેના માટે ઘણું શિસ્ત અને જવાબદારી લેવાની જરૂર છે. હું મહેનત કરી રહ્યો છું. અમારો પડકાર વિરોધી ટીમ સાથે નથી પણ પોતાની જાત સાથે છે.