નવી દિલ્હી : વિરાટ કોહલીની આગેવાનીન હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી)નું હાલની ઇન્ડિયન પ્રીમિયર લીગમાં સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું છે. અત્યાર સુધી આ ટીમે ચાર મેચ રમી છે અને ચારેયમાં તેનો પરાજય થયો છે. ટીમની સ્થિતિ આવી કેમ છે તે અંગે માજી ભારતીય કેપ્ટન સુનિલ ગાવસ્કરે પોતાનો મત રજૂ કર્યો છે અને સાથે જ ગાવસ્કરે વિરાટની ટીમને મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ ચેન્નઇ સુપર કિંગ્સ પાસેથી શીખ લેવાની સલાહ પણ આપી છે.
ગાવસ્કરે એક અંગ્રેજી અખબારમાં લખેલી પોતાની કોલમમાં જણાવ્યું હતું કે બેંગ્લોરે ચેન્નઇ પાસેથી શીખ લેવી જોઇએ. ચેન્નઇની ટીમને આગલી મેચમાં ભલે મુંબઇએ હરાવી દીધું હોય પણ ધોનીની ટીમ જાણે છે કે પડ્યા પછી ફરી ઊભા કેવી રીતે થવું. વિરાટની ટીમે પણ આ કળા શીખવાની જરૂર છે. ગાવસ્કનું માનવું છે કે આરસીબી ફ્લોપ થવાનું મોટું કારણ તેના બે ટોચના બેટ્સમેન વિરાટ કોહલી અને એબી ડિવિલિયર્સ પરની વધુ પડતી નિર્ભરતા છે. માજી કેપ્ટનના મતે આ બંને શ્રેષ્ઠતમ બેટ્સમેન આઉટ થઇ જાય તે પછી લાગે છે કે તેમની ટીમમાં મેચમાં પાછા ફરવાની શક્તિ જ રહેતી નથી.
ગાવસ્કરને બેંગ્લોરની બોલિંગમાં પણ કોઇ દમ લાગતો નથી. તેમણે લખ્યું છે કે મોટી સમસ્યા એ પણ છે કે આરસીબીની પાસે કોઇ બોલિંગ આક્રમણ જ નથી. ચહલ સિવાય એવો કોઇ બોલર નથી કે જે હરીફ ટીમમાં ડર ઊભો કરે અને તેને રન બનાવતા અટકાવી શકે. આરસીબી પાસે ચહલ સિવાય નવદીપ સૈની અને મહંમદ સિરાજ જેવા બોલર છે, જેમનામાં અનુભવની ઓછપ સ્પષ્ટ વર્તાય છે. સાથે જ ગાવસ્કર માને છે કે બેટિંગ ક્રમમાં કરાતા ફેરફાર પણ તેમના માટે ફાયદાકારક રહ્યા નથી.