કરાચી : પાકિસ્તાને વર્લ્ડ કપ 2019 માટે પોતાના સંભવિત 23 ખેલાડીઓના નામ જાહેર કરી દીધા છે. આ 23માંથી વર્લ્ડ કપ માટેની ટીમના 15 ખેલાડીઓના નામની જાહેરાત આગામી 18 એપ્રિલે કરવામાં આવશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે કહ્યું છે કે જે 23 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે, તેમને લાહોર સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમીમાં 15 અને 16મીના રોજ ફિટનેસ ટેસ્ટ પાસ કરવો પડશે.
પાકિસ્તાનના સંભવિતોની યાદીમાં છેલ્લો વર્લ્ડ કપ રમેલા જે મુખ્ય ખેલાડીઓને હાલના સંભવિતોમાં સ્થાન નથી અપાયું તેમાં વહાબ રિયાઝ, ઉમર અકમલ અને અહમદ શહઝાદનો સમાવેશ થાય છે. પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપ પહેલા પાંચ વનડેની સિરીઝ રમવા માટે 23 એપ્રિલે ઇંગ્લેન્ડનો પ્રવાસ કરશે. તે પછી 30મી મેથી ઇંગ્લેન્ડ અને વેલ્સમાં રમાનારા વર્લ્ડ કપમાં ભાગ લેશે.
વર્લ્ડ કપ અભિયાન હેઠળ પાકિસ્તાનની ટીમ 24મી મેએ અફઘાનિસ્તાન અને 26મી મેએ બાંગ્લાદેશ સામે વોર્મ અપ મેચ રમશે. તે પછી 31મી મેના રોજ વેસ્ટઇન્ડિઝ સામે પોતાની પ્રથમ રાઉન્ડ રોબિન મેચ રમશે. 33 વર્ષિય વહાબ રિયાઝે ગત વર્લ્ડ કપમાં પોતાના ખતરનાક સ્પેલના કારણે ચર્ચામાં રહ્યો હતો. તેને આ વખતે સંભવિતોમાં પણ સ્થાન અપાયું નથી. હાલમાં જ ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં સામેલ ઉમર અકમલને પણ ટીમમાં સામેલ કરાયો નથી. જ્યારે વધુ એક સીનિયર અહમદ શહઝાદને પણ સંભવિતોમાં સ્થાન મળ્યું નથી.
વર્લ્ડ કપ માટે પાકિસ્તાનના સંભવિતોની યાદી : સરફરાઝ અહેમદ (કેપ્ટન), આબિદ અલી, આસિફ અલી, બાબર આઝમ, ફહીમ અશરફ, ફખર ઝમાન, હેરિસ સોહેલ, હસન અલી, ઇમાદ વસીમ, ઇમાન ઉલ હક, જુનેદ ખાન, મહંમદ અબ્બાસ, મહંમદ આમિર, મહંમદ હાફિઝ, મહંમદ હસનેન, મહંમદ નવાઝ, મહંમદ રિઝવાન, શાદાબ ખાન, શાહીન શાહ આફ્રીદી, શાન મસૂદ, શોએબ મલિક, ઉસ્માન શેનવારી, યાસિર શાહ.