નવી દિલ્હી : ભારતીય ફૂટબોલ ટીમ ફિફા દ્વારા ગુરૂવારે જાહેર કરવામાં આવેલા નવા રેન્કિંગમાં બે ક્રમ ઉપર ચઢીને 101માં સ્થાને પહોંચી હતી. ભારતીય ટીમના કુલ પોઇન્ટ 1219 છે અને તે એશિયન દેશોમાં 18માં સ્થાને છે. અહીં એ નોંધ ખાસ કરવાની કે ભારતીય ટીમે ગત 7મી ફેબ્રુઆરીએ જાહેર થયેલા રેન્કિંગ પછી એક પણ મેચ રમી નથી.
હાલમાં જાહેર થયેલા રેન્કિંગ અનુસાર ઇરાન કે જે વિશ્વ રેન્કિંગમાં 21માં ક્રમે છે તે એશિયન રેન્કિંગમાં ટોચના સ્થાને છે. તેના પછી વિશ્વમાં 26માં ક્રમનું જાપાન છે અને તે પછી વિશ્વમા 37મો ક્રમ ધરાવતું દક્ષિણ કોરિયા એશિયન રેન્કિંગમાં ત્રીજા સ્થાને છે. એ પછી 41મો ક્રમ ધરાવતું ઓસ્ટ્રેલિયા, 55મો ક્રમ ધરાવતું કતરનો નંબર આવે છે. બેલ્જિયમની ટીમ રેન્કિંગમાં 1737 પોઇન્ટ સાથે ટોચના સ્થાને છે. તે પછી ફ્રાન્સ, બ્રાઝિલ, ઇંગ્લેન્ડ અને ક્રોએશિયાનો નંબર આવે છે.