કાબુલ : અફઘાનિસ્તાનના ક્રિકેટ બોર્ડે શુક્રવારે પોતાની ટીમના કેપ્ટન અસગર અફઘાનને ત્રણેય ફોર્મેટના સુકાનીપદેથી દૂર કરી દીધો છે અને તેના સ્થાને ગુલબદીન નૈબ, રાશિદ ખાન અને રહમત શાહને ક્રમશઃ વનડે, ટી-20 અને ટેસ્ટ ટીમના કેપ્ટન બનાવાયા છે. તેની સાથે જ રાશિદ, શફીખુલ્લા શફીક અને હસમતુલ્લાહ શહીદીને અનુક્રમે વનડે, ટી-20 તેમજ ટેસ્ટ ટીમના વાઇસ કેપ્ટન બનાવ્યા છે.
28 વર્ષિય ગુલબગીન નૈબના ખભે હવે ૩૦મી મેથી ઇંગ્લેન્ડમાં શરૂ થનારા વર્લ્ડકપમાં અફઘાનિસ્તાનની ટીમની જવાબદારી હશે. અફઘાનિસ્તાનના નવનિયુક્ત કેપ્ટનોમાંથી ઍકમાત્ર રાશિદ ખાનને જ કેપ્ટનશિપનો અનુભવ છે. તેણે ચાર વનડેમાં અફઘાનિસ્તાનની ટીમનું સુકાન સંભાળ્યું હતું. અસગરને 2015માં મહંમદ નબીના સ્થાને કેપ્ટન બનાવાયો હતો, તેની કેપ્ટનશિપ હેઠળ ટીમે 37 વનડે અને 37 ટી-20 જીતી છે. તેની કેપ્ટનશિપ હેઠળ જ ટીમ આયરલેન્ડ સામેની ઍકમાત્ર ટેસ્ટ જીતી હતી.
રાશિદ-નબીઍ અફઘાનને કેપ્ટનપદેથી હટાવવાનો વિરોધ કર્યો
નવી દિલ્હી : અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા ટીમના નિયમિત કેપ્ટન અસગર અફઘાનને કેપ્ટનપદેથી હટાવી દઇ તેના સ્થાને ત્રણેય ફોર્મેટમાં અલગ અલગ કેપ્ટન નીમ્યા છે ત્યારે હાલ ભારતમાં આઇપીઍલ રમી રહેલા રાશિદ ખાન અને મહંમદ નબીઍ આ નિર્ણયનો વિરોધ કર્યો છે. બંને ખેલાડીઅોઍ ટ્વિટ કરીને વાંધો દર્શાવ્યો છે. રાશિદે ટ્વિટમાં લખ્યું હતું કે પસંદગી સમિતિનં પૂર્ણ સન્માન કરતાં હું આ નિર્ણયનો વિરોધ કરું છું. આ નિર્ણય બેજવાબદાર અને પક્ષપાતપૂર્ણ છે. મહંમદ નબીઍ પણ ટ્વિટ કરીને કહ્યું હતું કે ટીમના સિનિયર ખેલાડી તરીકે મને નથી લાગતું કે આ કેપ્ટન બદલવાનો યોગ્ય સમય છે.