BLOના મોતે ઊભા કર્યા સવાલો: કામના ભારણથી કે ગેસ ગીઝરના ગળતરથી? પોલીસ માટે મોતનું કારણ તપાસનો વિષય
સુરતમાં મહિલા BLO ના શંકાસ્પદ મોતનો બનાવ સામે આવતા શહેરમાં શોક અને ચિંતાનું વાતાવરણ ઊભું થયું છે. મૃતક શાહપુર વિસ્તારના બૂથ નંબર 9-B પર BLO તરીકે ફરજ બજાવી રહ્યા હતા. દિનકલ મહેશભાઈ સિંગોડાવાળા, ઉંમર 26 વર્ષ, વરાછા પૂર્વ ઝોનમાં ટેક્નિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતા અને SIR કામગીરી અંતર્ગત તેમને માછીવાડ-શાહપુર બુથ પર BLO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
ERO તથા ડેપ્યુટી કલેક્ટર નેહા સવાણીના જણાવ્યા મુજબ, મૃતકનું કાર્યપ્રદર્શન અત્યંત ઉત્તમ રહ્યું હતું. તેમણે લગભગ 45 ટકાની કામગીરી પૂર્ણ કરી લીધી હતી અને તંત્રની નજરે તેઓ એક સારા પર્ફોર્મર તરીકે જાણીતા હતા.
પ્રાથમિક માહિતી મુજબ ઘરમાં બાથરૂમમાં ગેસ ગીઝર ગળતરની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. બાથરૂમમાં વેન્ટિલેશનની કોઈ વ્યવસ્થા ન હોવાથી દિનકલ બેભાન થઈ ગયા હતા. બાથરૂમમાંથી બહાર કાઢી હોસ્પિટલ લઈ જવાતા તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. તંત્રએ આ ઘટનાને ખૂબ જ દુઃખદ ગણાવી છે.
દિનકલ સિંગોડાવાળાના મોતથી પરિવાર સહિત સમગ્ર વિભાગમાં શોકની લાગણી વ્યાપી છે. મહિલા અધિકારી SIR ની કામગીરીમાં પ્રતિષ્ઠાપૂર્વક જોડાયા હતા.
આકસ્મિક ગળતરથી મોત થયું કે કામના ભારણ સાથે જોડાયેલા કોઈ અન્ય પરિબળો જવાબદાર છે — તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. મૃત્યુ પાછળનું રહસ્ય હજી યથાવત છે.
