Melbourne Test: મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ અને ભારત માટે પડકાર
Melbourne Test: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25ની ચોથી ટેસ્ટ મેલબોર્નના પ્રતિષ્ઠિત મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે 26 ડિસેમ્બરથી શરૂ થશે. ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધીમાં મેલબોર્નમાં 116 ટેસ્ટ મેચ રમી છે, જેમાંથી તેણે 67 મેચ જીતી છે, જ્યારે 32 મેચ હારી છે અને 17 મેચ ડ્રો રહી છે. આ એ જ મેદાન છે જ્યાં 1877માં વિશ્વની પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ હતી.
છેલ્લા 14 વર્ષમાં ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ
2010 થી 2024 દરમિયાન મેલબોર્નમાં રમાયેલી 14 ટેસ્ટ મેચોમાંથી ઓસ્ટ્રેલિયાએ 9 મેચ જીતી, 3માં હાર અને 2 મેચ ડ્રો કરી. આમાં નોંધનીય બાબત એ છે કે ઓસ્ટ્રેલિયાની 3 હારમાંથી 2 હાર ભારત સામે થઈ છે. ભારતે 2018 અને 2020માં મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું, જ્યારે એક હાર 2010માં ઈંગ્લેન્ડ સામે થઈ હતી.
ટીમ ઈન્ડિયા માટે શું થશે?
ઓસ્ટ્રેલિયાને મેલબોર્નમાં રમવા માટે હોમ એડવાન્ટેજ મળશે, પરંતુ ટીમ ઈન્ડિયા માટે અહીં પડકારો રહેશે. ખાસ કરીને ભારતીય ટીમમાં થયેલા ફેરફારો સાથે, જ્યાં સ્પિનર રવિચંદ્રન અશ્વિને ત્રીજી ટેસ્ટ બાદ નિવૃત્તિ લીધી હતી અને તેના સ્થાને મુંબઈના સ્પિનર તનુષ કોટિયનને લેવામાં આવ્યો હતો. એ જોવાનું રસપ્રદ રહેશે કે તનુષ કોટિયનને પ્લેઈંગ ઈલેવનમાં તક મળે છે કે નહીં અને શું ટીમ ઈન્ડિયા મેલબોર્નમાં ઐતિહાસિક જીત હાંસલ કરવામાં સફળ રહેશે?