લંડન : ઇંગ્લેન્ડના માજી કેપ્ટન માઇકલ વોને એવું નિવેદન કર્યું છે કે હવે એ સમય આવી ગયો છે કે જ્યારે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીને વર્લ્ડ કપ પહેલા આરામ આપવામાં આવે. એ ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલીની ટીમ આરસીબી હાલની આઇપીએલમાં પોતાની પ્રથમ છ મેચમાંથી એક પણ મેચ જીતી શકી નથી અને સતત છ મેચ હારવાના કારણે નોકઆઉટમાં સ્થાન મેળવવા માટે તેને કોઇ ચમત્કારની જ જરૂર છે.
માઇકલ વોનનું માનવું છે કે મોટી ટુર્નામેન્ટ પહેલા કોહલીને બ્રેક આપવામાં આવે તે નિર્ણય સારો ગણાશે. વોને ટિ્વટ કરીને કહ્યું હતું કે ભારતીય ટીમ મેનેજમેન્ટ અને ક્રિકેટ બોર્ડ સમજદાર હોય તો તેઓ વિરાટ કોહલીને વર્લ્ડ કપ સુધી આરામ આપશે. મોટી ટુર્નામેન્ટ પહેલા તેને થોડો આરામ આપો. આ તરફ પ્લે ઓફની આશાને જીવંત રાખવા આરસીબીએ હવે બાકી બચેલી તમામ 8 મેચ જીતવી પડશે, તેથી તેમના માટે પણ કોહલી મહત્વનો છે.