છત્તીસગઢના દંતેવાડામાં નક્સલીઓ દ્વારા ભારતીય જનતા પાર્ટીના MLA ભીમા મંડાવીના કાફલા પર હુમલો કરાયો છે. આ ભીષણ હુમલામાં ભાજપા MLA ભીમા મંડાવી સહિચ પાંચ લોકોના મોત થયા છે.
એન્ટી નક્સલ અભિયાનના DIG પી સુંદર રાજે ભીમા મંડાવીના મોતની પુષ્ટિ કરી હતી. નક્સલીઓ દ્વારા દંતેવાડાના શ્યામગિરી પાસે કુઆકુંડામાં સુંરગમાં ભીષણ વિસ્ફોટ કરાયો હતો, માહિતી મુજબ વિસ્ફોટ એટલો પ્રંચડ હતો કે બુલેટપ્રુફ કારના કૂરચા બોલાવી દીધા હતા. હાલમાં સમગ્ર વિસ્તારની ઘેરાબંદી કરી નક્સલીઓની તપાસ હાથ ધરવામાં આવી હતી. આ સંપૂર્ણ વિસ્તાર નક્સલીઓથી પ્રભાવિત છે.
ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ છે ભાજપા MLA ચૂંટણી પ્રચાર માટે નિકળ્યા હતા. જ્યાં તેમની નક્સલીઓ દ્વારા નિર્મમ હત્યા કરવામાં આવી હતી. પોલીસની માહિતી મુજબ નક્સલીઓએ ઇમ્પ્રોવાઇઝડ એક્સપ્લોસિવ ડિવાઇસ દ્વારા ધમાકો કર્યો હતો.
નોંધનીય છે કે, ભીમા મંડાવીએ ગત વર્ષે વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના દેવતી કર્માને હરાવીને દંતેવાડામાં જીત મેળવી હતી. સૂત્રો મુજબ નક્સલીઓએ પહેલા સુરક્ષા કર્મચારીઓને નિશાનો બનાવ્યા હતા, જે પછી ભીમા મંડાવી તેમની કારમાંથી બહાર નીકળ્યા ત્યારે તેમની નિર્મમ હત્યા કરવામાં આવી. છત્તીસગઢમાં ત્રણ તબક્કાઓમાં ચૂંટણી યોજાવાની છે, પરંતુ આ વખતની ચૂંટણી લોહિયાળ બની છે જે આગામી સમયમાં પ્રતિકૂળ સંજોગોને જન્મ આપી શકે છે.