ગુજરાત યુનિવર્સિટીમાં બી.કોમ સેમેસ્ટર ૬માં ઓડિટિંગ વિષયમાં અંદાજે ૮ હજારથી વધારે ઉત્તરવહી ગઇકાલે અચાનક ગુમ થઇ જતાં ભારે હોબાળો મચી ગયો હતો. કેટલાક પ્રોફેસરોએ આ મુદ્દે રજૂઆત કરતાં કો-ઓર્ડિનેટર અને પરીક્ષા વિભાગના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. છેવટે કેટલાક પ્રોફેસરોએ જ આ ઉત્તરવહીઓ ગુમ કરી હોવાની વિગતો બહાર આવી હતી. આશ્ચર્યની વાત એ કે, આ ઘટનાના કારણે ઉત્તરવહી ચકાસણીમાં લાગવગશાહી અને ગ્રૂપ ચાલતાં હોવાનું પણ સામે આવ્યું હતું.
યુનિવર્સિટીઓની પરીક્ષાઓ પૂર્ણ થાય તેની સાથે જ ઉત્તરવહી ચકાસણીની કામગીરી શરૂ થઇ જતી હોય છે. છેલ્લા કેટલાક વર્ષોથી અમુક અધ્યાપકો ઉત્તરવહી ચકાસણી કરવા આવતાં નથી જયારે અમુક પ્રોફેસરો નિર્ધારીત મર્યાદા કરતાં અનેકગણી ઉત્તરવહીઓ ચકાસીને સિઝનમાં લાખો રૂપિયાના બિલો મૂક્તા હોય છે. સૂત્રો કહે છે તાજેતરમાં કોમર્સ સેમેસ્ટર ૬ની ઉત્તરવહી તપાસવાની કામગીરી ચાલી રહી છે. જેમાં ઓડિટિંગ અંદાજે ૨૦ હજારથી વધારે ઉત્તરવહીમાંથી ૧૨ હજાર જેટલી ઉત્તરવહીની ચકાસણી પૂર્ણ થયા બાદ અચાનક ૮ હજાર જેટલી ઉત્તરવહીઓ ગુમ થઇ ગઇ હતી. અધ્યાપકો સવારે ઉત્તરવહી ચકાસણી માટે આવ્યા ત્યારે ઉત્તરવહી કયા છે ? તેની તપાસ શરૂ કરી હતી. અચાનક સેન્ટ્રલ એસેસમેન્ટમાંથી ૮ હજારથી વધારે ઉત્તરવહીઓ ગુમ થવાની ઘટના ‘ટોક ઓફ ધ ટાઉન’ બને તેવી સ્થિતિ ઊભી થઇ હતી. પ્રોફેસરોએ તપાસ શરૂ કર્યા બાદ આ સળંગ ૨૪ કલાક સુધી આ ઉત્તરવહીની શોધખોળ ચાલી હતી. છેવટે ઉત્તરવહી ચકાસણીમાં કો-ઓર્ડિનેટરની કામગીરી સંભાળતાં સિનિયર પ્રોફેસર સમક્ષ વાત પહોંચી હતી. બીજા દિવસે કો-ઓર્ડિનેટર ઉપરાંત પરીક્ષા વિભાગના અધિકારીઓ પણ ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા સૌથી મહત્વની વાત એ કે આ ઘટના જાહેર થાય તો ભારે મુશ્કેલી ઊભી થશે તેમ લાગતાં અચાનક ૮ હજારથી વધારે ઉત્તરવહીઓ કેટલાક અધ્યાપકો દ્વારા જ પરત લાવવાનું શરૂ કરાયું હતું. આ ઉપરાંત ઉત્તરવહી ગુમ થવાની ઘટનાને ‘મજાક’માં ખપાવી દેવામાં આવી હતી.
કેટલાક પ્રોફેસરોએ અન્ય સાથી પ્રોફેસરોને હેરાન કરવા માટે ઉત્તરવહી સંતાડી દીધી હોવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ ઘટના અંગે પરીક્ષા નિયામકને પૂછતાં તેઓ કહે છે મારા સુધી આ વાત આવી નથી. જયારે બી.કોમની ઉત્તરવહી ચકાસણીનું કો-ઓર્ડિનેશન કરતાં પ્રો.એચ.ડી.શીખને પૂછતાં તેઓ કહે છે કેટલાક પ્રોફેસરોએ સાથી મિત્રોને પરેશાન કરવા માટે અંદાજે ૪ હજાર જેટલી ઉત્તરવહી સંતાડી દીધી હતી. આ ઘટનાની જાણ થતાં મે સ્થળ પર જઇને અધ્યાપકોને આ પ્રકારની પ્રવૃત્તિ ન કરવા તાકીદ કરી હતી.
ઉત્તરવહી ગુમ થવાની ઘટના અંગે સૂત્રો કહે છે સેન્ટ્રલ એસેસમેન્ટમાં વર્ષોથી ચોક્કસ પ્રોફેસરોને નિર્ધારીત ઉત્તરવહી કરતાં અનેકગણી વધારે ઉત્તરવહીઓ આપવી તેવું ષડયંત્ર ચાલી રહ્યું છે. જાણી જોઇને ઉત્તરવહીઓ પુરી થઇ ગઇ છે તેમ કહીને લાગતાં-વળગતાંઓને વધારાની ઉત્તરવહીઓ આપી દેવામાં આવે છે. જેના કારણે ઉત્તરવહી ચકાસણીમાં ‘ચોક્કસ’ અધ્યાપકોનું બિલ એક લાખ રૂપિયા કરતાં વધારે આવે છે. સત્તાધીશો દ્વારા માત્ર ઉત્તરવહી ચકાસણીના બિલોની ચકાસણી કરવામાં આવે તો અનેક ગેરરીતિઓ અને ષડયંત્રો બહાર આવે તેમ છે.
બી.કોમ સેમેસ્ટર ૬ની ઉત્તરવહીની ચકાસણી કરતાં સત્તાધીશો કહે છે કેટલાક અધ્યાપકો મજાક માટે ઉત્તરવહી સંતાડી દીધી હતી. પ્રશ્ન એ છે કે કયા અધ્યાપકે અને કઇ જગ્યાએ ઉત્તરવહી સંતાડી ? કેમ્પસની બહાર ઉત્તરવહી ગઇ કે નહીં ? ગઇ તો કોને ત્યાં રાખવામાં આવી ? તે સહિતના અનેક પ્રશ્નોનું રહસ્ય હજુ અકબંધ છે.