મુંબઇ : અંડર 19 વર્લ્ડ કપમાં ભારતની જીતનો સ્ટાર બનીને ઉભરેલો કમલેશ નાગરકોટી માટે સફળતા જાણે કે થોડો સમયની ઉજવણી સાબિત થઇ હોય તેવું લાગી રહ્યું છે. ફેબ્રુઆરી 2018માં અંડર-19 ભારતીય ટીમ વર્લ્ડ કપમાં જોરદાર જીત પછી પૃથ્વી શો, શુભમન ગીલ અને શિવમ માવીની સાથે કમલેશ નાગરકોટીનું નામ પણ ચર્ચામાં રહ્યું હતું.
નાગરકોટીના જોરદાર પ્રદર્શનને ધ્યાને લઇને ગત આઇપીએલ સિઝનમાં કોલકાતા નાઇટ રાઇડર્સે 3.2 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. જો કે ઇજાને કારણે કમલેશ નાગરકોટીનું આઇપીએલમાં રમવાનું સપનું પુરૂ થઇ શક્યું નહોતું. ઇજાને કારણે આ યુવા ઝડપી બોલર છેલ્લા 14 મહિનાથી ક્રિકેટ મેદાનથી દૂર છે અને આઇપીએલની ગત સિઝન રમી ન શક્યા પછી નાગરકોટી આ સિઝનમાંથી પણ આઉટ થઇ ગયો છે.
નાગરકોટી પોતાને થયેલી ઇજાને કારણે ખાસ્સો હતાશ થઇ ગયો છે. તેણે કહ્યું હતું કે 19 વર્ષની વયે મારે ઝડપથી દોડીને બોલિંગ કરવી જોઇએ, પણ હાલમાં સ્થિતિ એવી છે કે હું ન તો રમી શકું છું કે ન તો અભ્યાસ કરી શકું છું, ઇજાને કારણે હું બહાર છું. એકલો જાતે જ ફિટ થવાનો પ્રયાસ કરી રહ્યો છું. જ્યારે મારા મિત્રો આઇપીએલ અને ઇન્ડિયા-એ માટે રમી રહ્યા હતા ત્યારે હું કંઇ કરતો નહોતો, મારા માટે નિશંકપણે એ મુશ્કેલ રહ્યું છે.