લંડન : ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીને બુધવારે સતત ત્રીજીવાર વિઝડન ક્રિકેટર્સ ઍલ્મનેકે વર્ષના સર્વશ્રેષ્ઠ ક્રિકેટર તરીકે પસંદ કર્યો હતો કોહલીઍ 2018માં ક્રિકેટના તમામ ફોર્મેટ મળીને 2735 રન કર્યા છે. તેને વિઝડન ક્રિકેટર ઓફ ધ યરના ઍવોર્ડની ઉપરાંત ટેમી બ્યુમોન્ટ, જાસ બટલર, સેમ કરેન અને રોરી બર્ન્સની સાથે વિઝડનના સર્વશ્રેષ્ઠ પાંચ ક્રિકેટરોમાં પણ પસંદ કરાયો હતો.
વિરાટ પહેલા બ્રેડમેન 10 વાર અને જેક હોબ્સ 8 વાર ક્રિકેટર ઓફ ધ યર બન્યા છે
ભારતીય કેપ્ટન કોહલી સતત ત્રણવાર આ સન્માન મેળવનાર વિશ્વનો માત્ર ત્રીજો ક્રિકેટર છે. તેના પહેલા ઓસ્ટ્રેલિયન દિગ્ગજ ડોન બ્રેડમેન 10 વાર અને ઇંગ્લેન્ડના ખેલાડી જેક હોબ્સ 8 વાર આ સન્માન મેળવી ચુક્યા છે. તેમના પછી વિરાટ ઍવો ત્રીજો ખેલાડી છે કે જેણે 3 કે તેનાથી વધુવાર આ ઍવોર્ડ જીત્યો હોય. કોહલીઍ ભારતીય ટીમના ઇંગ્લેન્ડ પ્રવાસની પાંચ ટેસ્ટમાં 59.3ની ઍવરેજથી 593 રન કર્યા હતા. અને તેણે વર્ષનો અંત 5 સદી સાથે કર્યો હતો.
સ્મૃતિ મંધાના બની સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટર
ભારતીય મહિલા ટીમની ઓપનર સ્મૃતિ મંધાનાને વર્ષની સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટર તરીકે પસંદ કરવામાં આવી હતી. મંધાનાઍ ગત વર્ષે વનડેમાં 669 અને ટી-20માં 662 રન કર્યા હતા. સાથે જ તેણે મહિલાઓની સુપર લીગમાં 174.68ની સ્ટ્રાઇક રેટ સાથે 421 રન કર્યા હતા. ભારતીય મહિલા ટી-20 ટીમમાં તે વાઇસ કેપ્ટન તરીકેની જવાબદારી પણ સંભાળે છે.
રાશિદ ખાન બન્યો સર્વશ્રેષ્ઠ ટી-20 ક્રિકેટર
અફઘાનિસ્તાનના સ્પિનર રાશિદ ખાને ગત વર્ષે કરેલા સારા પ્રદર્શનને કારણે સતત બીજા વર્ષે સર્વશ્રેષ્ઠ ક્રિકેટર બન્યો હતો. રાશિદ ખાને ગત વર્ષ દરમિયાન રમેલી ટી-20 ઇન્ટરનેશનલ મેચોમાં 8.68ની ઍવરેજે કુલ 22 વિકેટ ઉપાડી હતી. આ ઉપરાંત તેણે ઇન્ડિયન પ્રીમિયર લીગ 2018માં પણ 21 વિકેટ ઉપાડી હતી.